- IDBIમાં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા
- મહિલા બેંકમાં ક્યારેય ગયા જ નથી છતાં એકાઉન્ટ ખુલી ગયું
- ડોક્યુમેન્ટ તથા GST નંબર સહિત અન્ય ડિટેઇલનો દુરુપયોગ કરાયો
સુરત: શહેરમાં દિન પ્રતિદિન બેંક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. ત્યારે વધુ એક બેંકનું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરના રાંદેર ખાતે આવેલી IDBI બેંકમાં લલિતાબેન ચૌબે નામની મહિલાના નામે ડોક્યુમેન્ટ તથા GST નંબર સહિત અન્ય ડિટેઇલનો દુરુપયોગ કરી બોગસ એકાઉન્ટ બનાવી 2.36 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. એકાઉન્ટ એજન્ટ અને બેંકના કર્મચારી દ્વારા 2.36 કરોડ કાળા નાણાં ધોળા કરવાના આક્ષેપ સાથે રાંદેર પોલીસ મથકે લલિતાબેન ચૌબે દ્વારા અરજી કરાઈ છે.
એજન્ટ અને બેંકના કર્મચારીએ મળીને કર્યું કારસ્થાન
સહારા દરવાજા ખાતે આવેલા ગ્લોબલ ટેકસટાઇલ ક્રિએશનના નામે વેપાર કરતા લલિતાબેન ચૌબેએ રાંદેર પોલીસ મથકે અરજી કરી છે. લલિતાબેને IDBIમાં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા ન હતા. એટલું જ નહીં તેઓ રાંદેર IDBIની બ્રાન્ચ પર ક્યારેય ગયા પણ નથી. તેમ છતાં તેમનું બેંક એકાઉન્ટ હોવાની જાણ થતાં તેઓ ચોકી ઉઠ્યા હતા. લલિતાબેને અજય મેઘજી કાનાંણી નામના વ્યક્તિને લૉન લેવા બાબતે GST નંબર સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. GST એકાઉન્ટ ઓનલાઈન ચેક કરતા નંબરના આધારે રાંદેર ખાતે આવેલા IDBI બેંકમાં એકાઉન્ટ ઓપરેટ થઈ રહ્યું હોવાનું જણાઈ આવતા તેઓ ચોકી ઉઠયા હતા. હાલ લલિતાબેન ચૌબેએ રાંદેર પોલીસ મથકે અરજી કરી છે. એજન્ટ અને બેંકના કર્મચારીએ સાથે મળીને કાળા નાણાં ધોળા કરવાનું આ કારસ્થાન કર્યું હોવાના આક્ષેપ કરાયા છે.