- સુરત બારડોલી રોડ પર તૈયાર થનારા અંડરપાસનો વિરોધ
- કડોદરા જનતા હિત રક્ષણ સમિતિએ કર્યો વિરોધ
- SUDAની કામગીરી પર ઊઠાવ્યા પ્રશ્નો
- કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને અપાયું આવેદનપત્ર
બારડોલીઃ કડોદરામાં નિર્માણ પામનારા અંડરપાસના વિરોધમાં તેમ જ નગરરચના આયોજનનું કાર્ય સમયસર થતું ન હોવાથી કડોદરા જનતા હિત રક્ષણ સમિતિએ વિરોધ કર્યો છે. આ સમિતિએ અંડરપાસના વિરોધમાં કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે અંડરપાસથી કડોદરાની જનતાને હાલાકી પડશે તેવી સંભાવના દર્શાવી કેટલાક મુદ્દાઓની સમીક્ષા કરવાની માગ કરી હતી. અહીં વર્ષોથી ટ્રાફિકનો મુદ્દો માથાનો દુખાવો સમાન હોવાથી સરકારે અંડરપાસ બનાવવા રૂ. 110 કરોડના બજેટની મંજૂરી આપી હતી. સોમવારે આ સમિતિની સભા યોજાઈ હતી. જ્યાંથી રેલી સ્વરૂપે નગરપાલિકા સુધી જવાનું આયોજન હતું. પરંતુ પોલીસે રેલીની પરવાનગી ન આપતા સમિતિના સભ્યોએએ માત્ર આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત આ સમિતિએ કડોદરામાં ઠેરઠેર બેનરો લગાવી તેમાં અંડરપાસરૂપી મોતના ખાડામાંથી બચાવો, અંડરપાસ કે ગામનું વિભાજન, અંડરપાસ કે એશિયાનો મોટામાં મોટો તરણકુંડ, અંડરપાસ વિકાસ કે વિનાશ જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા.
અંડરપાસથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ નહીં આવેઃ જનતા હિત રક્ષણ સમિતિ
સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું કે, કડોદરા ચાર રસ્તા એ બે હાઈવેનું ક્રોસિંગ હોવાથી ટ્રાફિકની સમસ્યા રહે છે. તેમણે સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી)ની કામગીરી સામે પણ સવાલો ઊઠાવ્યા હતા. સુડાએ જરૂરી ટાઉન પ્લાનિંગ સમયસર કર્યું નથી. જો સરકારે અંડર પાસ બનાવવો હોય તો સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે. જેમાં કડોદરાના ટાઉનપ્લાનિંગને અગ્રતા આપવામાં આવે, બીઆરટીએસ કડોદરા સુધી આવવી જોઈએ. કડોદરા ખાડીનું કુદરતી પાણીનું વહેણનો યોગ્ય નિકાલ આ આયોજનમાં નથી, ગટરલાઇનનું પૂર્વ આયોજન કરવામાં આવ્યું નથી, આ અંડરપાસમાં પબ્લિક હિયરિંગ થયું નથી, રોડ પર દબાણ જેમકે હાથલારી અને શાકભાજીની લારીઓના કારણે થતો ટ્રાફિક જામનું નિવારણ કરવામાં આવતું નથી તેમજ ઓવરબ્રિજ નીચેનું ટ્રાફિક સર્કલ ખૂબ જ નાનું હોય વધુ ટ્રાફિક જામ થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત અંડરપાસ એ ટ્રાફિકનો ઉકેલ નથી, પરંતુ તેનાથી આ સમસ્યા વધુ ઘેરી બનવાની સાથે ચોમાસામાં પાણી ભરાવાની પણ સંભાવના છે. આથી મોટી જાનહાનિ પણ થવાની નાગરિક સમિતિ દ્વારા સંભાવના દર્શાવવામાં આવી છે.