- કુલ 156 મતદારોમાંથી 102 મતદારોએ કર્યું મતદાન
- બારડોલીના સરદાર ટાઉન હોલમાં યોજાયું પોસ્ટલ મતદાન
- કોરોનાની ગાઈડલાઈન સાથે થયું મતદાન
બારડોલી: આગામી 28મી ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે ત્યારે તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણી દરમ્યાન મતદાન મથકો પર સ્થાનિક કર્મચારીઓ ફરજ બજાવશે ત્યારે આ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે બુધવારના રોજ બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલમાં પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
65.38 ટકા મતદાન નોંધાયું
સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. સરકારી, અર્ધસરકારી તેમજ ચૂંટણી ફરજ પર રહેનારા 15 મતદારો નોંધાયા હતા. જે પૈકી 102 કર્મચારીઓએ મતદાન કરતા કુલ 65.38 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
ટપાલ મતપત્રો મતપેટીમાં સીલ
મતદાન કેન્દ્ર પર એક મતપેટી મુકવામાં આવી હતી. જેમાં કર્મચારીઓએ ટપાલ મતપત્રમાં પોતાનો મત આપી તેને સીલબંધ કવર સાથે મતપેટીમાં નાખી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોરોનાની ગાઈડલાઈનનું થયું પાલન
કોરોનાને કારણે મતદાનકેન્દ્ર પર આવનાર તમામ મતદારોને સૌપ્રથમ થર્મલ સ્ક્રિનીંગથી તાપમાન માપવામાં આવ્યું હતું. ત્યારબાદ સેનિટાઇઝરથી હાથ સાફ કરાવી ગ્લોવઝ આપવામાં આવ્યા હતા જે પહેરીને મતદારોએ મતદાન કર્યું હતું.