- સુરતના ડીંડોલીમાં વિચિત્ર ઘટના સામે આવી
- પત્નીએ જમવાનું ન બનાવતા પતિએ કરી હતી હત્યા
- પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા પતિએ ગુનો કબૂલ્યો
સુરત: ડીંડોલી વિસ્તારમાં જમવાનું બનાવવા બાબતે ઝગડો થતા પતિએ તેની જ પત્નીની હત્યા કરી હતી અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે મૃતદેહને બે દિવસ ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો. જોકે, ડોક્ટરને શંકા જતા મૃતક મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પતિની કડક પૂછપરછ કરતા સત્ય બહાર આવ્યું હતું. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરાઇ હત્યા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
સુરતના ડીંડોલી સ્થિત સંતોષીનગર ઝૂપડપટ્ટીમાં રોહિત સિમાંચલ સ્વાંઈ અને તેમના પત્ની સુલતાનાબેન સ્વાઈં સાથે રહેતા હતા. ત્રણેક દિવસ અગાઉ તેના ઝૂંપડામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. શરૂઆતમાં રોહિતે મહિલાના મોત મામલે બહાનું બતાવ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવતા પોલીસે તેની સખતાઈથી પૂછપરછ કરી હતી. જેમાં તેણે સત્ય હકીકત જણાવી દીધી હતી.
આ પણ વાંચો: પારડીના સરોધી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતીની કરી હત્યા
હત્યા કરીને મૃતદેહની બાજુમાં સૂઈ ગયો
પોલીસે પતિની કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, કોઈને કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. 12મી તારીખે રાત્રે સુલતાનાએ જમવાનું ન બનાવતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેણે ઉશ્કેરાઈને સુલતાનાની હત્યા કરીને તેના મૃતદેહની બાજુમાં જ સૂઈ ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી
આરોપીએ ગુનાની કબૂલાત કરતા સરકાર તરફે પોલીસ ફરીયાદી બની હતી અને આરોપી રોહિત સામે હત્યાનો ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કર્યા બાદ આરોપીને કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની સત્તાવાર ધરપકડ કરી હતી.