- આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી ફરી એક વખત વિવાદમાં
- પવિત્ર નગરી નામના ફ્લેટના રહિશો આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા
- સુવિધા ન આપતા હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો
સુરતઃ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. સુરતના કામરેજ નજીક આવેલા ખોલવડ ગામમાં પવિત્ર નગરી નામનો ફ્લેટના રહિશો આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા હતા.
આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના ઘરે મોરચો
રહિશોએ કહ્યું કે, અમને સોસાયટી સોંપાઈ નથી. બીજી તરફ બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું ચાર લાખ જેટલું બિલ ભરવામાં આવ્યું નથી. જેથી અમારો પાવર કટ થઈ ગયો છે. સોસાયટીના લોકો દિવાળી ટાણે અંધારે રહેવા મજબૂર બન્યા છે. આ પ્રોજેક્ટમાં આરોગ્યપ્રધાન કુમાર કાનાણીના પુત્રનો ભાગ હોવાથી અમે મોરચો લઈને આવ્યાં છીએ. જો કે, તેણે ભાગ ન હોવાનું કહેવાની સાથે સાથે અમને ત્યાંથી હાંકી કાઢવાની અને કેસ કરવાની પણ ધમકી આપી છે.
સ્ટાર પવિત્ર નગરીના બિલ્ડર હરેશભાઈએ કહ્યું કે, આ પ્રોજેક્ટમાં આરોગ્ય પ્રધાનના પુત્ર પ્રકાશ કાનાણીનો કોઈ હિસ્સો નથી. સોસાયટી લોકોને આપી દેવામાં આવી છે, પરંતુ તેઓ વિજળીનું બિલ ન ભરી શકતા હવે અમને બિલ ભરવાનું કહી રહ્યાં છે. અમે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરીશું.