- રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગુંજને અત્યાર સુધીમાં 27 મેડલ પ્રાપ્ત કર્યા
- બ્રોન્ઝથી લઈને ગોલ્ડ સુધીના મેડલ મેળવ્યા
- ગુંજને પોતાની પ્રેક્ટિસ દરમિયાન દોઢ લાખ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે
સુરત: પીપલોદમાં રહેતી 26 વર્ષીય ગુંજન મિસ્ત્રીએ રાઇફલ શૂટિંગમાં કાઠું કાઢ્યું છે. ગુંજને અત્યાર સુધીમાં અલગ-અલગ રેંજની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં 27 મેડલ પ્રાપ્ત કર્યા છે. રાજ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીની ઇવેન્ટમાં મેડલ મેળવી ચૂકેલી ગુંજન હાલ આગામી માર્ચમાં યોજાનારી 56મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેમજ એપ્રિલમાં યોજાનારી 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહી છે.
ગુંજન 20 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે
ગુંજન 20 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ શૂટિંગની પ્રેક્ટિસ કરી રહી છે. અત્યાર સુધીમાં ગુંજને 10 મીટર એર રાઇફલ વુમેન પોઇન્ટ 22, 50 મીટર રાઇફલ થ્રિ પોઝિશન વુમેન અને 50 મીટર પ્રો વુમેન જેવી કેટેગરીમાં બ્રોન્ઝથી લઈને ગોલ્ડ સુધીના મેડલ મેળવ્યા છે. ગુંજને પોતાની પ્રેક્ટિસ દરમિયાન દોઢ લાખ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા ગુંજને વ્યક્ત કરી હતી.
પ્રેક્ટિસ માટે ઘરમાં જ બનાવી શૂટિંગ રેન્જ
શહેરમાં રાઇફલ પ્રેક્ટિસ માટે યોગ્ય જગ્યા ન હોવાને લીધે આખરે ગુંજનના પિતા ભારતભાઈએ ગુંજન માટે ઘરમાં જ 10 મીટર શૂટિંગ રેન્જ બનાવી આપી હતી. ગુંજન રોજ આ શૂટિંગ રેન્જમાં જ પ્રેક્ટિસ કરે છે. કોરોના કાળમાં ઇવેન્ટ ન યોજાવાને લીધે ઘરમાં જ પ્રેક્ટિસ કરીને શૂટિંગ ક્ષમતા વધારવામાં ગુંજન વ્યસ્ત રહી હતી.
6 વર્ષમાં 10 લાખનો ખર્ચ કર્યો
રાઇફલ શૂટિંગના પ્રોફેશનલ પ્લેયર બનવા માટેની આવશ્યકતાઓ પુરી કરવા ગુંજનનો પરિવાર 10 લાખનો ખર્ચ કરી ચૂક્યો છે. હાલ ગુંજન પાસે 2 રાઇફલ છે જેનાથી તે પ્રેક્ટિસ કરે છે. ગુંજને જણાવ્યું હતું કે, તેણીના પિતા જ તેના કોચ છે. ઉપરાંત ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન આયોજિત ટ્રેનિંગમાં ગગન નારંગ અને પવન સિંહ પાસે પણ ગુંજને ટ્રેનિંગ લીધી હતી.
આ પણ વાંચો: ઈન્દોરમાં યોજાયેલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
હોમગાર્ડ સિનિયર અધિકારી રહી ચૂકેલા પિતાએ આપ્યું પ્રોત્સાહન
ગુંજન મિસ્ત્રીના પિતા ભરત મિસ્ત્રી હોમગાર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. NCCમાં સતત 3 વર્ષ બેસ્ટ કેડર રહી ચૂકેલા ભરતભાઈએ પોતાની પુત્રીનો રસ અને ધગશ જોઈને પુત્રીને પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રોફેશનલ શૂટિંગ પ્રેક્ટિસ માટેની સવલતો ઉભી કરી આપી હતી. ભરતભાઈ પોતે પણ લાઠીથી લઈને લાઈટ મશીનગન સહિત 118 પ્રકારના હથિયાર ચલાવવાનું જાણે છે.
થેલેસીમિયા પીડિત બાળકોના ઈલાજ પર કરે છે રિસર્ચ
ગુંજન રાઇફલ શૂટિંગ ઉપરાંત થેલેસીમિયાની બીમારીથી પીડાતા બાળકોના ઈલાજ પર રિસર્ચ પણ કરે છે. ગુંજન ધોરણ 12 સુધી વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની રહી ચૂકી છે અને હવે રિસર્ચ કરી રહી છે. ગુંજનના જણાવ્યા પ્રમાણે થેલેસીમિયાથી પીડાતા બાળકોની માનસિક અને શારીરિક સ્થિત તેમણે નજીકથી જોઈ છે.
બીજાની રાઇફલ લઈને 50 મીટર શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
વર્ષ 2017માં રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી 50 મીટર શૂટિંગ ઇવેન્ટમાં ગુંજને ભાગ લઈને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જોકે, આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગુંજન પાસે 50 મીટર રેંજની રાઇફલ ન હતી. માત્ર 10 મીટર રેંજની જ રાઇફલ હતી. અન્ય સ્પર્ધક પાસેથી રાઇફલ લઈને એસેમ્બલ કર્યા બાદ સીધો સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ નેશનલ લેવલની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેળવ્યો હતો.