સુરત : શહેરમાં 12 વિધાનસભા બેઠકો (Assembly seat of Surat ) છે અને તમામ ભાજપના ફાળે આવેલી છે. 12માંથી સૌથી અગત્યની ગણાતી વરાછા વિધાનસભાની બેઠક (Gujarat Assembly Election 2022) ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હોય છે. પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017 )સુરતના વરાછા બેઠક પર (Varachha assembly seat ) ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપને એડીચોટીનું જોર લગાવ્યું પડ્યું હતું. કારણ કે આ બેઠક પર પાટીદાર ફેક્ટર વિજય માટે નિર્ણાયક હોય છે અને વર્ષ 2017માં પાટીદાર આંદોલન (Patidar Andolan) ચરમ પર હતું. વર્ષ 2017માં આ બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે એટલી હદે સમસ્યા થઈ રહી હતી કે તેઓ વિરોધનો સામનો કરી રહ્યા હતાં. પોતે સાંસદ દર્શના જરદોશનો પણ અહીં ઈંડા ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓને લોકો ભગાડી દેવાતા હતાં. અનેક વિસ્તારોમાં બેનર લગાડવામાં આવ્યા હતાં કે આ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓનો પ્રવેશ નિષેધ છે. વર્ષ 2017માં પોતે આ બેઠક પર ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે હાર્દિક પટેલ પણ આંદોલનકારી તરીકે ઉતરી ગયાં હતાં.
વરાછા બેઠકની ડેમોગ્રાફી: -વર્ષ 2017 માં ભારે વિરોધ હોવા છતાં ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો હતો. પાટીદાર આંદોલન અને એન્ટી ઇન્કમબન્સી હોવા છતાં ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીએ (Kishor Kanani Sea)કોંગ્રેસના ઉમેદવાર ધીરુ ગજેરાને (Dhiru Gajera Seat )13998 મતોથી હરાવ્યા હતાં. આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 1,97,962 હતી જેમાં પુરુષ મતદાતાઓ 1,12,305 અને મહિલા મતદાતાઓ 85,651 હતી. વર્ષ 2017માં 1,25,191 મતદાતાઓએ મત આપ્યા હતાં જેમાંથી કિશોર કાનાણીને 68,472 મત તો ધીરુ ગજેરાને 54,474 મત મળ્યા હતાં. વોટિંગ પર્સેંટેજની વાત કરવામાં આવે તો કિશોર કાનાણીને 54.69 ટકા જ્યારે ધીરુ ગજેરાને 43.51 ટકા મળ્યા હતાં.
અત્યાર સુધીની ચૂંટણીઓના પરિણામ: વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. આજ બંને ઉમેદવારોને વર્ષ 2012 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે 1,27,420 મતોમાંથી કિશોર કાનાણીને 68,529 અને ધીરુ ગજેરા 48,170 મતો મળ્યા હતાં. જ્યારે વોટિંગ પર્સેંટેજમાં કિશોર કાનાણીને 53.78 ટકા અને ધીરુ ગજેરાને 37.80 ટકા મતો મળ્યા હતાં. કોંગ્રેસને પાટીદાર આંદોલનના કારણે વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017ની ચૂંટણીમાં વોટિંગ પર્સેંટેજમાં 06 ટકાનો નફો થયો હતો.
આ બેઠકમાં રોજગારનું કેન્દ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં - વરાછા વિધાનસભા બેઠક પર કુલ મતદાતાઓ હાલ (2022) ની સંખ્યા 2.10 લાખ વધુ છે. અગત્યની વાત છે કે અહીં 90 ટકા પાટીદાર સમાજના લોકો રહે છે. અન્ય 10 ટકામાં પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારને મીની સૌરાષ્ટ્ર ગણવામાં આવે છે. વર્ષોથી આ વિસ્તારમાં લોકો રોજગાર મેળવવા આવે છે અને ડાયમંડ કારખાનામાં નોકરી મેળવે છે. અહીં 90 ટકા લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે.. સુરતમાં કુલ રત્ન કલાકારોની સંખ્યા આશરે સાડા છ લાખ છે જેમાંથી વરાછા વિધાનસભા બેઠકમાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવતા લોકો 4.50 લાખથી વધુ છે.
મનપા કામગીરી માટે ખૂબ જ મહત્ત્વની બેઠક - વરાછા વિધાનસભામાં સુરત મહાનગરપાલિકાનો સૌથી મોટો વિસ્તાર છે. આજ કારણ છે કે વરાછા ઝોન ને A-B ઝોનમાં વિભાજિત કરવામાં આવેલ છે. લોકોને તમામ સુવિધા મળી રહે આ માટે વરાછા ઝોન એ અને બીમાં વિભાજીત કરી પ્રશાસનિક સેવા પૂરી પાડવામાં આવે છે. મનપાના સૌથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ ઝોનમાં કાર્યરત છે. હાલમાં જ સરકાર દ્વારા આ વિસ્તારમાં સરકારી કોલેજ ખોલવાની જાહેરાત કરવાની આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સરકારી કોલેજની માગણી કરાઈ રહી હતી. વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારે આ માંગણી પૂર્ણ કરી છે.
બેઠકની ખાસિયત: તાપી નદી કિનારે આવેલા આ વિસ્તારમાં 3 નદી પરથી પસાર થનાર બ્રિજ છે. જ્યારે બીજી બાજુ ચાર જેટલા ફ્લાયઓવર બ્રિજ છે. અન્ય બે બ્રિજ નિર્માણાધીન છે. સૌથી અગત્યની વાત એ છે કે સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ સુરતના આ વિસ્તારમાં આવેલો છે. કુલ 2.73 કિમીનો આ બ્રિજ વરાછા ગરનાળાથી શરૂ થાય છે અને કાપોદ્રા પોલીસ સ્ટેશન પર પૂર્ણ થાય છે. આ વિસ્તારમાં શહેરનું પ્રાણીસંગ્રહાલય આવેલ છે જે દક્ષિણ ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને મનપાની આવકનું એક સાધન છે. આ વિસ્તારમાં નાનીમોટી ચાર હજારથી વધુ ડાયમંડની ફેક્ટરી આવેલ છે. રત્ન કલાકારો અહીં સૌથી વધુ માવા ખાવા માટે પ્રચલિત છે. આ વિસ્તારમાં વધુ પાનના ગલ્લાઓ આવેલા છે. જે મોડી રાત સુધી ધમધમે છે. આ વિસ્તારમાં કોરા ખમણ, કુંભણીયા ભજીયા, વણેલા ગાંઠીયા અને ઢોકળા મોટી સંખ્યામાં વેચાણ થાય છે.
આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં - આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાતો હતો પરંતુ પાટીદાર અનામત સમિતિ દ્વારા આંદોલન બાદ આ વિસ્તારમાં રાજકીય સમીકરણ બદલાયું હતું. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યાં. જેમાંથી 20 જેટલા ઉમેદવારો વરાછા વિધાનસભા બેઠકના કોર્પોરેટર છે. એટલે આ વખતે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર કાંટાની ટક્કર આપશે. સૌથી અગત્યની વાત એ પણ છે કે છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસ સામે ભાજપની સાથોસાથ આમ આદમી પાર્ટીને પણ ટક્કર આપવા તૈયાર છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : આપ ગુજરાત પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકનો 58 બેઠક પર જીતનો દાવો
આ વિસ્તારના લોકોની માગ: વરાછા વિસ્તારમાં વિકાસ કામોની હારમાળા છે તેને નકારી શકાય નહીં. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા રત્ન કલાકારોની છે. રત્નકલાકાર સંઘના મુજબ લોકડાઉન અને કોરોના કાળમાં આર્થિક સંકળામણના કારણે 25 જેટલાં રત્ન કલાકારોએ આપઘાત કરી લીધું હતું. આરોપ છે કે સરકાર અને અન્ય પક્ષો ક્યારે પણ રત્નકલાકારોની વેદના સમજી શક્યા નથી. આજ દિન સુધી કોઈ પેકેજની જાહેરાત કરાઇ નથી.
અનેકવાર રજૂઆત કરાઈ છે તેમ છતાં પ્રોફેશનલ ટેક્સ નાબૂદી કરાઇ નથી જેના કારણે તેનું ભારણ રત્નકલાકારો ઉપર આવે છે. અહીં 24 કલાક પાણી મીટર થકી આપવામાં આવે છે પરંતુ બિલ વધારે આવવાના કારણે લોકોમાં રોષ પણ છે. સરકારી શાળાઓની સંખ્યા વધારવા માટે પણ માગ કરવામાં આવી રહી છે. સૌથી મોટી સમસ્યા અહીં ટ્રાફિકની પણ છે લોકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે.