સુરતઃ શહેરમાં રહેતા ઓરિસ્સા સમાજના શ્રમિકોને મોટી રાહત મળી છે. કારણ કે, છેલ્લા એક મહિનાથી વધુ સમયથી લોકડાઉનના કારણે તેઓની પાસે રોજગારી ન હતી. આ સાથે તેમની આર્થિક સ્થિતિ પણ કફોડી થઈ ગઈ હતી, પરંતુ ઉડીયા પ્રવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી આ શ્રમિકોને ઓડિશા જવા માટે પરવાનગી માગવામાં આવી હતી.
જે પરવાનગી મળતા ચાર બસ થકી 150થી વધુ શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળ્યા છે. લૉકડાઉનમાં પોતાના વતન જવા ઈચ્છી રહેલા આ સુરત ખાતે રહેતા ઓરિસ્સા સમાજના શ્રમિકો ચાર બસના માધ્યમથી વતન જવા માટે રવાના થયા છે. સુરતના પાંડેસરા પિયુષ પોઈન્ટ અને સાયણ વિસ્તારથી આ બસો ઓરિસ્સા માટે ઊપડી હતી. શ્રમિકોનો મેડિકલ ચેકઅપ અને બસ સેન્ટાઇઝ કરી તમામને મોકલવામાં આવ્યાં છે. લૉકડાઉનના કારણે તેઓ પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં હતાં.
ઓડિશા સરકારથી લીલીઝંડી મળતા સુરતના ઓરિસ્સા પ્રવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે 150થી વધુ શ્રમિકોને ઓડિશા મોકલવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. જે પરવાનગી મળ્યાની સાથે 4 બસોમાં ઓડિશાના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળ્યા હતા. આ તમામ લોકો ખુબ જ ખુશ હતા અને જય જગન્નાથના ઉદઘોષ લગાવ્યાં હતાં.
આજથી ઓરિસ્સા જવા માટે રવાના થવા લાગ્યાં છે અને આવનાર દિવસોમાં પણ કલેકટર કચેરીથી પરવાનગી મેળવી તેઓ ખાનગી બસ થી પોતાના વતન જશે, આજે પણ તેઓ ખાનગી બસ થકી પોતાના વતન જવા માટે રવાના થયા હતા.