સુરત: કોરોનાની મહામારી વચ્ચે આ વખતે સોશિયલ ડિસ્ટનસિંગ, ફરજિયાત માસ્ક અને SOPના ચુસ્ત પાલન અને મર્યાદિત સંખ્યા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજન કરવા અંગેના સંકેતો રાજ્ય સરકારે આપ્યા છે. તેમ છતાં આ વખતે ગરબા રસિયાઓમાં નવરાત્રિનો તહેવાર ઉજવવાનો પહેલા જેવો ઉમળકો જોવા મળી રહ્યો નથી. ત્યારે ગરબા રસિયાઓની આ ઉદાસીનતા દૂર કરવા અને મોજ કરાવવા માટે સુરતી યુવકે એક સુંદર મજાનું સોંગ તૈયાર કર્યું છે.
આ સોંગ દ્વારા સુરતીઓને શેરી-ગરબા નહી પરંતુ ઘરમાં રહી એક ઓરડામાં મા અંબાની સાદગીપૂર્ણ રીતે આરાધના કરી મોજમસ્તી કરવા અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો છે.
સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા યો યો જય નામના આ યુવાનનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. જય નામના આ યુવકે અગાઉ શિવ તાંડવ સ્ત્રોત પરથી સોંગ બનાવ્યું હતું. જ્યાં ઉત્તરાખંડના માઇનસ ડીગ્રીમાં આ યુવાન અને તેની ટીમે ભારે મહેનત વચ્ચે સોંગ તૈયાર કર્યું હતું.
ત્યારે આ વચ્ચે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં જાહેર ગરબાના આયોજનો પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. જ્યાં માત્ર શેરી ગરબાના આયોજનો કેટલીક શરતો અને નિયમો સાથે કરવા પરવાનગી ના સંકેત આપ્યા છે. જેના કારણે ઉદાસીન થયેલા ખેલૈયાઓને મોજ અને મસ્તી કરાવવાનો પ્રયાસ યો યો જય શર્મા દ્વારા કરવામાં આવ્યો છે.
જય અને તેની ટીમ દ્વારા "મોજમાં રહીશું, કોરોનાકાળની ગરબા વેક્સીન નામનું એક સુંદર સોંગ મા અંબાની આરાધના પર તૈયાર કરવામાં આવ્યું છે. પાંચ થી છ મિનિટનું તૈયાર કરવામાં આવેલા આ સોંગમાં શેરી ગરબા નહીં પરંતુ આ વખતે ઘરમાં રહીને જ માં અંબા ની આરાધના કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. જ્યાં વારંવાર હાથ સેનેટાઇઝ કરીશું, ફરજિયાત માસ્ક પહેરીશું તેમજ સોશીયલ ડિસ્ટનસિંગ રાખીશું જેવા નિયમો પાળવા માટે લોકોને જણાવવામાં આવ્યું છે.