સુરત: ગણેશ ચતુર્થીને ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે આ વખતે ભક્તો પોતાના ઘરે જ બાપ્પાની પ્રતિમાની સ્થાપના કરશે. કોરોના વાઇરસ મહામારીને લઇને તંત્ર દ્વારા જાહેર રસ્તા કે મંડપમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી છે. તેમજ ફક્ત બે ફૂટની જ મૂર્તિ ખરીદવાના આદેશને લીધે મૂર્તિકારો દ્વારા પણ નાની પ્રતિમાઓ બનાવવામાં આવી છે. બજારમાં પણ લોકો ગણેશજીની નાની પ્રતિમાઓ ખરીદતા નજરે પડી રહ્યા છે.
![સુરતમાં કેરળની હાથણીને શ્રદ્ધાંજલિ અપાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-corona-ganesha-7200931_19082020105259_1908f_1597814579_670.jpg)
આ વખતે સુરતના મૂર્તિકારો દ્વારા અવનવા સંદેશાઓ આપતી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. વિઘ્નહર્તા ગણપતિ બાપા કોરોનાનું વિધ્ન હરે અને આ મહામારીથી લોકોને મુક્તિ મળે તેવા સંદેશ સાથે એક મૂર્તિકારે ભગવાન ગણેશની એક સુંદર પ્રતિમા બનાવી છે. જેમાં બાપ્પા પોતાના પગ નીચે કોરોના વાઇરસને દબાવી તેનો વધ કરતા જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ આ મૂર્તિકારે કેરળમાં હાથણી સાથે થયેલી અત્યાચારની ઘટનાને પણ મૂર્તિ સ્વરૂપે દર્શાવી પશુઓ પર દયાભાવ રાખવાનો સંદેશ આપ્યો છે.
આ મૂર્તિકાર પાસે મૂર્તિ ખરીદવા આવનાર લોકો પણ તેની કલા કારીગરીની પ્રશંસા કરી રહ્યા છે. આ વર્ષે ગણપતિ બાપા કોરોના સંકટમાંથી સમગ્ર વિશ્વને ઉગારી લે તેવી ભક્તો આશા સેવી રહ્યા છે.