- સુરતમાંથી હ્રદયના દાનની 35મી અને ફેફસાના દાનની 9મી ઘટના
- ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા એક જ દિવસમાં 13 અંગો અને ટિશ્યુઓના દાનની સૌપ્રથમ ઘટના
- 13 અંગો અને ટિશ્યુઝના દાનથી કુલ 12 લોકોને જીવનદાન મળશે
સુરત : ડોનેટ લાઈફ દ્વારા હ્રદય દાનની 35મી અને ફેફસાના દાનની 9મી ઘટના બની છે. સુરતમાંથી ડોનેટ લાઈફ સંસ્ દ્વારા એક જ દિવસે 13 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના છે. બ્રેઈનડેડ મીત કલ્પેશકુમાર પંડ્યા તેમજ બ્રેઈનડેડ ક્રીશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રો અકસ્માતે બ્રેઈનડેડ થતા બંને પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વહાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસા અને ચક્ષુઓના દાન કરી બાર-બાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે.
24 ઓગસ્ટના રોજ અકસ્માતને ભેટ્યા હતા બન્ને મિત્રો
મિત અને ક્રિશ બન્ને ખાસ મિત્રો હતા. તેઓ ધોરણ-1 થી સાથે અભ્યાસ કરતા હતા. 24 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યે બન્ને એક્ટિવા પર જી.ડી.ગોએન્કા સ્કૂલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા તેઓ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને બ્રેઈન હેમરેજનું નિદાન થયું હતું. ક્રિશને બ્રેઈન હેમરેજની સાથે સાથે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. જેને ન્યૂરોસર્જન દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તબીબોએ બન્ને મિત્રોને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જેથી બન્નેના પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેઓના અંગો દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયથી બન્ને મિત્રોની કિડની, લિવર, હ્રદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથી 12 લોકોને જીવનદાન મળ્યું છે.
4 ગ્રીન કોરીડોર બનાવીને અંગો વિવિધ શહેરોમાં પહોંચાડાયા
ક્રિશના ફેફસાંનુ ટ્રાન્સપ્લાન્ટ છેલ્લા દોઢ વર્ષથી સતત 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર રહેતા પૂણેના રહેવાસી એક CRPF જવાનમાં કરવામાં આવ્યું છે. ફેફસાને સુરતથી હૈદરાબાદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવીને 926 કિલોમીટરનું અંતર 180 મીનિટમાં કાપવામાં આવ્યું હતું. જ્યારે મિતનું હ્રદય, બન્નેના લિવર અને બન્નેની ચાર કિડનીઓ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. તેમને પહોંચાડવા માટે સુરતથી અમદાવાદનું 288 કિલોમીટરનું અંતર 90 મીનિટમાં કાપવામાં આવ્યું હતું. મિતના હ્રહયનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની 21 વર્ષીય યુવતીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે ક્રિશનું લિવર રાજકોટના 55 વર્ષીય શિક્ષકને અને મિતના લિવરને બાયડના રહેવાસી એક 47 વર્ષીય શિક્ષકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બન્નેની ચારેય કિડનીઓને અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ને આપવામાં આવી છે. જેઓ તેનું ચારેય ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાશે.
ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હ્રદય દાનની 35મી ઘટના
બન્નેના વિવિધ અંગોને અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે કુલ 4 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર સહિત ગુજરાત અને તેલંગણા પોલીસનો સહકાર સાંપડ્યો હતો. ગુજરાતમાંથી હ્રદયદાનની આ 45મી ઘટના છે. જ્યારે સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હ્રદયદાનની આ 35મી ઘટના છે. જેમાં 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત માંથી દસ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા નવ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી 8 ફેફસા ચેન્નાઈ, 4 ફેફસા મુંબઈ 2 ફેફસા બેંગ્લોર અને 4 ફેફસા હૈદરાબાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.