- રોજની 100 બસોમાં વતન તરફ જઈ રહ્યા છે મજૂરો
- લોકડાઉનની આશંકાને લઈ મજૂરોનું પલાયન
- સામુહિક હિજરતથી ગતવર્ષના લોકડાઉનની યાદ તાજી થઈ
સુરત: શહેર તેમજ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ લોકોમાં દહેશતનો માહોલ છે, ત્યારે લોકડાઉન થવાની સંભાવનાને લઈ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાંથી અન્ય રાજ્યના મજૂરો વતન તરફ પલાયન કરી રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરા અને પલસાણા વિસ્તારમાં આવેલી મિલોમાં કામ કરતા મજૂરોએ સામુહિક હિજરત શરૂ કરતાં ફરી એક વખત ગયા વર્ષના લોકડાઉનની યાદ તાજી કરાવી દીધી છે.
સુરત જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે.
સુરત શહેર તેમજ જિલ્લા કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ઝડપથી વધી રહેલા ચેપને કારણે સ્થિતિ વધુ ભયાનક બની ગઈ છે. હોસ્પિટલ તો ઠીક પણ મૃત્યુ થયા બાદ સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી કતાર જોવા મળી રહી છે. આવા ભયાનક દ્રશ્યો વચ્ચે લોકોમાં પણ દહેશતનો માહોલ છે. આ બેકાબૂ બનેલી સ્થિતિને લઈને પલસાણા તેમજ કડોદરા વિસ્તારમાં રહેતા અને મિલોમાં કામ કરતાં પરપ્રાંતિય મજૂરોએ હિજરત શરૂ કરી છે. ટ્રાવેલ્સમાં વતન જવા માટે લોકોનો ધસારો વધ્યો છે.
આ પણ વાંચો : કોરોનાએ સાધ્યુ બાળકો પર નિશાન: 72 કલાકમાં 14 દિવસના 2 બાળકોના મોત, એક વેન્ટિલેટર પર
લોકડાઉન થાય તે પહેલાં ઘરભેગા થવું છે
રોજના વધતા કેસોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. જેના કારણે લોકડાઉન થવાની સંભાવનાને લઈ મજૂરો પાણી પહેલા પાળ બાંધી લેવા માગે છે. આથી પરપ્રાંતિય શ્રમજીવીઓએ વતન તરફની વાટ પકડી છે. હજારોની સંખ્યામાં મજૂરો પલાયન કરી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાઇરસની બીજી લહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાને કાબૂમાં કરવા માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેમ છતાં દિન પ્રતિદિન કોરોન દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
રોજની 100 બસો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર માટે રવાના થઈ રહી છે
વધતાં જતાં કેસોને લઈ લોકડાઉનની અટકળો પણ થઈ રહી છે. તેવામાં સુરત જિલ્લાના પલસાણા અને કડોદરા ખાતે રહેતા અને મિલોમાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરોએ પોતાના વતન તરફ જવા માટે હિજરત શરૂ કરી દીધી છે. પલસાણા અને કડોદરા ખાતે ઔદ્યોગિક એકમોમા કામ કરતાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારના મજૂરોએ હિજરત શરૂ કરી છે. પલસાણા અને કડોદરા વિસ્તારમાંથી રોજના 100થી વધુ બસો મારફતે યુ.પી., બિહાર અને મધ્યપ્રદેશના મજૂરો વતન તરફ જઈ રહ્યા છે.
આ પણ વાંચો : સુરતની નવી સિવિલની ઓક્સિજન ટેન્કમાં જામ્યો બરફ
મિલોમાં એક જ પાળી ચાલતી હોય કામ મળતું નથી.
મિલોમાં પણ એક પાળી જ ચાલુ હોય લોકો પાસે કામ ન હોવાથી પરપ્રાંતીય લોકો વતન તરફ જવા મજબૂર બન્યા છે. કેટલીક મિલોએ તો મજૂરોને તેમનો હિસાબ આપી વહેલી તકે વતન જતા રહેવા માટે જણાવ્યું છે. આથી મજૂરો જે સાધન મળ્યું તેમાં બેસી ઘર વખરી સાથે વતન જતા જોવા મળી રહ્યા છે.