- ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી પોર્શ વિસ્તારના મકાનોમાં જઈ પૈસા પડાવનારી ગેંગ ઝડપાઇ
- ગુજરાત ગેસ કંપનીના કસ્ટમર્સના ડેટા મેળવી રાજ્યભરમાં કરતા હતા ઠગાઇ
- ચારેક મહિનામાં 15થી વધુ વખત આગડિયું થયું હતું
સુરત: ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાદારીના પિતાને ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી નવા મીટરના નામે રૂપિયા 40 હજારની ઠગાઇ કરનારા ભેજાબાજ આરોપીને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી ગેસ કંપનીમાંથી કસ્ટમરના ટેડા મેળવી ઘટનાને અંજામ આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદી ઓમપ્રકાશ રામવિલાસ અગ્રવાલને પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે આપી ભેજાબાજ નવા મીટરના નામે રૂપિયા 40,210 લઇ રફૂચક્કર થઇ ગયો હતો. ભેજાબાજે ભાગળની પટેલ માધવલાલ મગનલાલ આંગડીયા પેઢીમાં ભાવનગર ખાતે રૂપિયા 38 હજાર મોકલાવ્યા હતા.
જેલમાં મિત્રતા થઇ હતી
આંગડીયા મારફતે રોકડ સ્વીકારનાર રોહિત વીરેશ જરવલીયાને ઝડપી પાડ્યો હતો. રોહિતની પૂછપરછમાં તેના પિતા વીરેશ બાબુ જરવલીયના કહેવાથી આંગડીયામાં રોકડ લેવા ગયો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વીરેશની પૂછપરછ કરતા ગેસ કંપનીના નામે ઠગાઇ કરનારા ભેજાબાજ તેનો મિત્ર કિશોર રમેશચંદ્ર રાઠોડ હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 1998 માં ભાવનગર ખાતે હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા વીરેશને ઠગાઇ કેસમાં ઝડપાયેલા કિશોર રાઠોડ સાથે જેલમાં મિત્રતા થઇ હતી અને ત્યાર બાદથી તેઓ વચ્ચે પારિવારીક સંબંધ છે.
કસ્ટમરના ડેટા મેળવી ઠગાઇ કરી રહ્યો છે
કિશોર અત્યાર સુધીમાં 15 થી વધુ ગુનામાં ઝડપાઇ ચુકયો છે. છેલ્લા ચારેક મહિનામાં સુરતથી પંદરથી વધુ વખત આંગડીયું કર્યાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં બેકાર રોહિત અગાઉ કોન્ટ્રાક્ટ હેઠળ ગેસ કંપનીમાં કામ કરતો હતો. તેનો ભાઇ ધવલ જરવલીયા હાલમાં પણ ગેસ કંપનીમાં નોકરી કરે છે. જેથી પોલીસને આશંકા છે કે કિશોર રાઠોડ ધવલની મદદથી કસ્ટમરના ડેટા મેળવી ઠગાઇ કરી રહ્યો છે.