- ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા તેમજ રોકાણ વધારવા સંદર્ભે ચર્ચા
- સુરતમાં બનતા એવા ફેબ્રિક્સનું ઇન્ડોનેશિયામાં સીધું એક્સપોર્ટ કરી શકાય તે માટે મંજૂરી આપવા માગ
- જે ફેબ્રિક્સનું ઉત્પાદન થતું નથી, તેના ડેટા ચેમ્બરને આપવા માટે જણાવ્યું
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા મુંબઇ સ્થિત ધી કોન્સ્યુલેટ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા, નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા અને ચેન્નાઇ સ્થિત ઇન્ડોનેશિયન ટ્રેડ પ્રમોશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ઝુમ એપ્લીકેશનના માધ્યમથી વર્ચ્યુઅલ ઇન્ટરેકટીવ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ ઓફ ધી રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા આગુસ પી. સાપ્તોનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા તેમજ રોકાણ વધારવા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગુસ પી. સાપ્તોનોએ ચેમ્બરને ટ્રેડ એકસ્પો ઇન્ડોનેશિયા– 2021 ની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું
ઉપરોક્ત વર્ચ્યુઅલ ઇન્ટરેક્ટીવ ડિસ્કશનમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી તથા ગૃપ ચેરમેન અમિષ શાહ અને ચેમ્બરની કોન્સ્યુલેટ લાયઝન/ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલીગેશન કમિટીના ચેરમેન હર્ષલ ભગત જોડાયા હતા. તેઓએ ઇન્ડોનેશિયામાં જે ફેબ્રિકસનું ઉત્પાદન થતું નથી તેના ડેટા ચેમ્બરને આપવા માટે જણાવ્યું હતું. સાથે જ સુરતમાં બનતા એવા ફેબ્રિક્સનું ઇન્ડોનેશિયામાં સીધું એક્સપોર્ટ કરી શકાય તે માટે મંજૂરી આપવા તથા તેના માટેની પોલિસી બનાવવા માટે અનુરોધ કર્યો હતો. આ ડિસ્કશનમાં કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનો દ્વારા ચેમ્બરને ટ્રેડ એકસ્પો ઇન્ડોનેશિયા– 2021 ની મુલાકાત લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.