- મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતા
- જ્વેલરી મેન્યુફેક્ચર અને નિયમિત રીતે એક્સપોર્ટ ગોલ્ડનો જથ્થો મળી રહેશે
- એક અંદાજ મુજબ દર મહિને 70થી 80 કિલો સોનાની જરૂર રહે છે
સુરત: જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સુરત રીજીયોનલ ઓફિસ દ્વારા કરવામાં આવેલા અથાક પ્રયત્નો અને GJEPC દ્વારા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ ભારત સરકારને વારંવાર કરવામાં આવેલી રજૂઆતને પગલે ડાયમંડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એક્સપોર્ટ ગોલ્ડની સપ્લાય ફરીથી કાર્યરત કરવામાં આવી છે. જોકે, મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રક્રિયામાં વિલંબ થવાની શક્યતાઓ રહેલી છે.
જ્વેલરી એક્સપોર્ટ કરતા એકમોને ઓર્ડર પૂરા કરવામાં ફાંફા ઉભા થયા
કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી કે જ્વેલરી મેન્યુફેક્ચર અને નિયમિત રીતે એક્સપોર્ટ ગોલ્ડનો જથ્થો મળી રહેશે. તે માટે વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે, પરંતુ જાહેરાત બાદ અત્યાર સુધી ગોલ્ડ સપ્લાય કરનારા ડાયમંડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બુકિંગ શરૂ કરાયું નથી. જેના કારણે જ્વેલરી એક્સપોર્ટ કરતા એકમોને ઓર્ડર પૂરા કરવામાં ફાંફા ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, 31મી માર્ચ સુધીમાં કંપની બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં હજી સુધી બુકિંગ શરૂ કરાયું નથી. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાથી કંપનીએ બુકિંગ શરૂ કર્યું ન હોવાનું પણ એક કારણ છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ પર નિયંત્રણ આવે ત્યારબાદ એક્સપોર્ટ ગોલ્ડ જ્વેલરી માટેની સપ્લાય શરૂ થાય તેમ છે.
આ પણ વાંચો: જ્વેલરી ઇન્શ્યોરન્સઃ જાણો કઇ રીતે તમે તમારા સોનાના ઘરેણાંને રાખી શકો છો સુરક્ષિત
300થી 400 જેટલા નાના-મોટા યુનિટને લાભ
ગોલ્ડ સપ્લાયને લઈને જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ ETV BHARATને જણાવ્યું હતું કે, આખા દેશના જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સમસ્યા હતી. ફાયનાન્સ મિનિસ્ટ્રીને અમે રજૂઆત કરી હતી અને ત્યારબાદ આ પરવાનગી મળી છે. આ પરવાનગીના કારણે સ્પાર્કલ એક્ઝિબિશનમાં મળેલા ઓર્ડરને હવે સુરતના વેપારીઓ સહેલાઈથી પૂર્ણ કરી શકશે. અનેક કારણોસર ગોલ્ડ સપ્લાયમાં અડચણ ઊભી થઈ હતી. તેને દૂર કરવા માટે અમે રજૂઆત કરી હતી. આખરે સરકારે આ રજૂઆત સાંભળી છે અને સુરતના જ 300થી 400 જેટલા નાના-મોટા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા યુનિટોને આનો લાભ મળશે.
અનેક એકમો માત્ર 25 ટકા ક્ષમતાથી કાર્યરત
સુરતમાં કાર્યરત 350 જેટલા એરપોર્ટના યુનિટોને એક અંદાજ મુજબ દર મહિને 70થી 80 કિલો સોનાની જરૂર રહે છે. જોકે, હાલમાં સોનાની સપ્લાય લગભગ બંધ જેવી હોવાથી એકમોને ઓર્ડર પુરા કરવામાં મુશ્કેલી નડી રહી છે જેના કારણે અનેક એકમો માત્ર 25 ટકા ક્ષમતાથી કાર્યરત છે.
આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: ગોલ્ડ ડીલર એસોસિયેશનનો મહત્વનો નિર્ણય, ગોંડલ સોની બજાર 7 દિવસ માટે બંધ