- ત્રણ ટર્મથી દર્શના જરદોશ સુરતના સાંસદ છે
- હાલ જ તેઓ કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય પ્રધાન બન્યા છે
- મમતા અને લાલુજીએ માત્ર જાહેરાતો કરી : જરદોશ
સુરત : ત્રણ ટર્મથી સાંસદ રહી ચુકેલા દર્શના જરદોશ જે હાલમાં મોદી કેબિનેટમાં ટેક્સટાઈલ અને રેલવે વિભાગના રાજ્ય પ્રધાન બનાવાયા બાદ પ્રથમવાર સુરત આવ્યા હતા. કેન્દ્રીય રેલવે અને કાપડ રાજયપ્રધાન ( Union State Minister of Railways and Textiles ) દર્શના જરદોશે ( Darshana Jardosh ) યુપીએના તમામ કેન્દ્રીય રેલવે પ્રધાનો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમણે માત્ર જાહેરાતો કરી કોઈ કામ કર્યું નથી. તેઓ કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરી શક્યા નહી. તેઓએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વ્યાપાર ભલે જરૂરી હોય પણ ચીન આપણા ઉપર હુમલો કરતું હોય તો આપણે તેને આર્થિક લાભ ક્યારેય પણ આપીશું નહીં.
પ્રશ્ન : સંસદમાં અત્યાર સુધી ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે આપે કયા પ્રશ્નો પૂછ્યા છે અને અત્યારે મંત્રાલય મળ્યા બાદ શું કાર્ય કરવામાં આવશે ?
જવાબ : સુરત મારું શહેર છે. ત્રણ વખત અહીંના લોકોએ મારી ઉપર વિશ્વાસ મુક્યો છે. 76 ટકા લોકોએ મને મત આપ્યા છે, તો મને મારો પ્રશ્ન ખબર જ છે. પરંતુ જ્યારે મંત્રાલયનો પદભાર સંભળાવવામાં આવે છે ત્યારે આખા દેશ માટે વિચારવું પડે છે. એકલા સુરત માટે હું વિચારી શકતી નથી. કાપડ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પછી હેન્ડલુમ- હેન્ડીક્રાફ્ટ, જેમાં તમિલનાડુનો કોટન ઉદ્યોગ, સાથે પશ્ચિમ બંગાળનો જૂથ ઉદ્યોગની સરખામણી કરીને જોઈએ તો મેન મેડ ફેબ્રિક્સમાં સુરત હબ છે. આ પ્રમાણે વિદેશ સાથે સંકળાયેલી નીતિઓ સાથે સંકળાયેલ પ્રશ્ન પણ હોય છે. એક વાત આપના માધ્યમથી લોકોને જણાવવા માગીશ કે ક્યાંય પણ બિઝનેસ થાય તેને માટે રાષ્ટ્ર પ્રથમ હોય છે. ચાઇના આપણા પર હુમલો કરશે અને આપણે ચાઇના ને આર્થિક લાભ આપીશું એવું ક્યારેય પણ થશે નહીં આ નીતિ સ્પષ્ટ છે.
ટેકસટાઇલ મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાણા મંત્રાલય તમામ મંત્રાલય મળીને નક્કી કરતા હોય છે. આપના માધ્યમથી હું જણાવવા માંગીશ કે જે પણ ડિમાન્ડ આવે છે તેમાં મોટાભાગે જણાવી દેવાથી સમસ્યાનો નિકાલ થતો નથી, કેટલીક બાબતો મીડિયામાં ચાલતી હોય છે, પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો એમાં કામ થયું હશે નહીં. હાલ ટેક્ષટાઇલનો એક પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. કોઈ પણ સરકારમાં એક દિવસમાં નિર્ણય આવતો નથી, અને આનો શ્રેય લેવા માટે લોકો આગળ આવતા હોય છે. અમે ક્યારેય પણ વિચારતા નથી કે અમે તેનો શ્રેય લઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં એવું થતું પણ નથી. ટેકસટાઇલમાં કોર્ટ જેવું હોય છે જો બિઝનેસને નુકસાન થયું હોય તો માનવું જ પડે , પેરામીટર અનુસાર નક્કી થાય છે કયા બિઝનેસને કેટલુ નુકસાન થયુ છે તેના આધારે નિર્ણય લેવાય છે. જરૂરી નથી કે એક માટે જ નિર્ણય લેવામાં આવ્યો હોય તે બીજા ઉપર લાગુ થાય..
પ્રશ્ન : બાંગ્લાદેશથી આવનારૂ કાપડ પર એન્ટી ડમ્પીંગ સાથે સુરતમાં ટેકસટાઇલ પાર્કની સાથોસાથ જીએસટીની મુંઝવણને લઈને આપ શું કહેશો?
જવાબ : જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે સાચા નથી. અમે જ્યારે પ્રથમ રીવ્યુ લીધો આ મંત્રાલયમાં 250થી વધુ લોકો બીજા કામ સાથે જોડાયેલા છે. તેઓ બે વ્યવસાય સાથે સંકળાયેલા છે. ક્યારેક ખેતી કરતા હોય છે તો ક્યારેક કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે તો ટેક્સટાઇલ નો સાચો આંકડો કોઈ બતાવતું જ નથી. તો એન્ટિ ડમ્પિંગ કોણ કરે છે, ક્યાંથી આવે છે, કેવી રીતે થાય છે, કેટલા લોકો છે આ વાતો નથી આવતી. બાંગ્લાદેશ, વિયતનામ, પાકિસ્તાન કે ચાઇના હોય તમામને વેપાર કરવાનો હોય છે. વેપાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારથી પાંચ દિવસ પહેલા વિશ્વના મોટા મોટા સેક્ટરના ભારતીય એમ્બેસેડર સાથે વાત કરી છે. 500 જેટલા ચેમ્બર ઓફ કોમર્સ સાથે વાત કરી તેઓએ કહ્યું છે કે, એક્સપોર્ટ કરો, અહીંથી વસ્તુઓ એક્સપોર્ટ થવી જોઈએ ન કે ત્યાંથી વસ્તુઓ આવવી જોઈએ. સ્વનિર્ભરમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છે ત્યારે આપ લોકોનો સપોર્ટ જોઈએ.
પ્રશ્ન : ટેક્સટાઇલ પાર્ક અંગે શું નિર્ણય લેવાયો
જવાબ : આ નીતિ બની ગઈ છે અને કેબિનેટ નિર્ણય કરશે એક યોગ્ય રીતે થશે. ડિમાન્ડ અને કેટલા એકર જગ્યામાં હશે, સાથે રાજ્ય સરકાર નો રોલ કેટલો હશે ? જેટલા પણ ટેક્સ્ટાઇલનો વેપાર હશે તે અનુસાર આગળ વધશે.
પ્રશ્ન : આપે જણાવ્યું કે અત્યાર સુધી જેટલા રેલવે પ્રધાન બન્યા તેઓએ વધારે કામ કર્યા નથી
જવાબ : ઘણી બધી જાહેરાત કરવામાં આવી. મમતા બેનરજીએ શું કર્યું ? તેની જાણકારી કોઈએ લીધી નથી. લાલુ પ્રસાદ યાદવ શું કહીને ગયા તેની જાણકારી કોઈએ લીધી નહીં. લાલુજી રેલ્વે પ્રધાન હતા તેમ છતાં બિહારમાં ટ્રેન ગઈ નથી. ટ્રેન શરૂ કરવા માટે, ટ્રેનની સર્વિસ માટે ત્યાં જગ્યા બની નથી. આ કોને જવાબ આપવો પડશે ? હવે જ્યારે ડિમાન્ડ સામે આવે છે કે આ ટ્રેન ત્યાં જવી જોઈએ, યુપીમાં જવી જોઈએ, જ્યાં ટ્રેન જાય છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં કોણ ઊભું કરશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પ્રથમ કાર્ય કર્યું છે. પિયુષ ગોયલ પણ કામ કર્યું છે. અને વૈષ્ણવજીનો પણ આ વિચાર છે. વૈષ્ણવજી પ્રથમ દિવસથીજ ગોલ સેટ કરી દીધો છે કે કેટલા દિવસમાં કેટલું કામ થવું જોઈએ. અમારી પાસે બે વર્ષ કે પાંચ વર્ષ નથી અમારી પાસે માત્ર ત્રણ વર્ષ છે. ત્રણ વર્ષમાં તમામ ટાર્ગેટ અચીવ કરવાના છે જેના માટે અમને બે ગણી ઝડપથી કામ કરવું પડશે.
પ્રશ્ન : ગુજરાતમાં આ વખતે ભાજપની ટક્કર કોંગ્રેસથી વધુ આમ આદમી પાર્ટી સાથે છે ગુજરાતમાં આ પાર્ટીને આપ કઈ રીતે જુઓ છો
જવાબ : હું જ્યારે કાલે તે વિસ્તારથી આવી ( હાલ જ્યાં મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા છે ) ત્યાં કોઈ જોવા મળ્યું નથી. લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકોની ડબલ નીતિ છે. આ લોકો જુઠાણું ચલાવે છે તો જુઠાણું બધાની સામે આવી ગયું છે. ગઈ વખતે પણ આવી જ રીતે થયું હતું શોર્ટ ટર્મ માટે લોકો આવી જાય છે મને નથી લાગતું કે આ જુઠાણું લોકો સમજી શક્યા નથી.
સુરતથી શ્વેતા સિંહનો અહેવાલ , ઈટીવી ભારત