સુરતઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના જન્મદિવસ નિમિત્તે સુરતની મુલાકાતે ગયા હતા. જ્યાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ નર્સિંગ સ્ટાફ દ્વારા તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત નર્સિંગ સ્ટાફ દ્વારા CM રૂપાણીને રાખડી પણ બાંધવામાં આવી હતી. જેથી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોક-ઉપયોગી કાર્ય કરવાથી જન્મદિવસ યાદગાર બની જાય છે.
સુરત આવેલા મુખ્યપ્રધાને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ અને પ્લાઝમા ડૉનેટ કરનારા લોકોનું સમ્માન કર્યું હતું. ત્યારબાદ તેમણે કિડની હોસ્પિટલમાં તૈયાર કરેલી કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
મુખ્યપ્રધાને પોતાની મુલાકાત દરમિયાન કલેક્ટર કચેરીએ તમામ અધિકારીઓ, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરો સહિત ધારાસભ્ય પાસેથી કોરોનાની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે. 24 જુલાઈના રોજ પણ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાન સુરતની મુલાકાતે આવ્યા હતા. રવિવારે એક મહિના બાદ ફરીથી તે કોરોના કાળમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી સુરતમાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર ગત 5 મહિનાથી કોરોના આધારિત કાર્ય કરી રહી છે. જેમાં વ્યવસ્થા, સુવિધા અને લોકડાઉન અંગે સંપૂર્ણ કાર્ય કરી રહી છે. રાજ્યના તમામ શહેરોમાં નિષ્ણાતોનું ડેલીગેશન મોકલી ડિટેલિંગ કરી યોજનાબદ્ધ રીતે વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત એક મહિનામાં કોરોનાના 10 ગણા ટેસ્ટ વધારવામાં આવ્યા છે. એક મહિના અગાઉ 5000 ટેસ્ટ થતા હતા, જે અત્યારે 26,000 થાય છે.
સુરત અંગે તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં અગાઉ 60 ટકા રિકવરી રેટ હતો, જે હાલ 70 ટકા છે. આ ઉપરાંત સુરતના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. જે અગાઉ 4 ટકા હતો, તે અત્યારે 2 ટકા થયો છે.