સુરતઃ દિવાળી નજીક આવતાની સાથે શહેરમાં લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં મોટા પ્રમાણમાં હીરાની હેરાફેરી થતી હોય છે, ત્યારે લૂંટની અનેક ઘટનાઓ બની રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં ગાયત્રી ફરસાણ રોડ ઉપર એક આંગડીયા પેઢીનો કર્મચારી પાર્સલ ડિલિવરી કરવા નીકળ્યો હતો, ત્યારે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્યોએ તેના ઉપર સ્પ્રે નાંખી રૂપિયા 5 લાખથી વધુના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. હરિપુરા-ભવાનીવડની નટવર ચીનુભાઈ આંગડિયાના ડિલિવરીમેન સતીષ ફુલચંદ પટેલ ગુરુવારે મોપેડ પર હીરાના પાર્સલ ડિલિવરી કરવા વરાછા નીકળ્યા હતા. તેઓ ઘામેલિયા સોસાયટીના ગેટ સામે પહોંચ્યા, ત્યારે મોપેડ પર આવેલા બે લોકોમાંથી પાછળ બેસેલા શખ્સે સતીષભાઇ પર સ્પ્રે છાંટ્યો હતો. સતીષ ભાઇને આંખોમાં બળતરા થતાં તે નીચે પડી જતાં પાર્સલવાળો થેલો લઈને બંને શખ્સો ભાગી ગયા હતા. સ્પ્રે છાંટનારે મોઢે રૂમાલ બાંધેલો હતો. આ ઘટનાને લઈ સતીષ પટેલે વરાછા પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે.