સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વીજ કંપનીએ માર્ચ મહિનામાં મીટરનું અંતિમ લીધું હતું, ત્યારબાદ જુલાઈ મહિનામાં અનલોક બાદ મીટર રેટિંગના આધારે વીજગ્રાહકોને બાકી બિલ આપવાનો આરંભ કર્યો હતો. તે દરમિયાન જે મીટર રીડિંગ આવ્યું તેને ચાર મહિનામાં વહેંચણી કરી માસિક 200 યુનિટ વપરાશ ધરાવનાર વીજગ્રાહકોને 100 યુનિટ માફી અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રહેણાકના 26 લાખ વીજ ગ્રાહકો છે. જે પૈકી 19 લાખ ગ્રાહકોને તો 100 યુનિટ અને ફિક્સ ચાર્જ માફીનો લાભ આપવામાં આવ્યો હોવાનો ડીજીવીસીએલના અધિકારીઓએ દાવો કર્યો હતો.
વધુમાં અધિકારીએ જણાવ્યું કે, દરેક ગ્રાહકની ફરિયાદ છે કે વીજ બિલ બહુ વધારે આવ્યુ છે, પરંતુ ઉનાળાના ચાર મહિના અને મોટા ભાગનો સમય લોકો ઘરમાં હતાં. તેથી આખો દિવસ ટીવી પંખા એ.સીનો વપરાશ વધી રહ્યો હતો. એટલું જ નહીં, લોકડાઉન હોવાથી ઘરના દરેક સભ્ય ઘરમાં હોવાથી વીજ વપરાશ વધ્યો છે. તેથી વીજબિલ વધુ આવ્યું છે. બાકી વીજ કંપનીએ યુનિટના તફાવત મુજબ બિલ આપ્યું છે.