- સુરતમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ આવી સામે
- ખાનગી હોસ્પિટલો પાસે વધુમાં વધુ એક દિવસ ચાલે એટલો જ ઓક્સિજન
- IMA દ્વારા સુરત કલેક્ટર અને મુખ્યપ્રધાનને જથ્થો વધારવા કરાઈ રજૂઆત
સુરત: શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓ વધી રહ્યા છે. તે સાથે જ ઓક્સિજનની જરૂરિયાત પણ વધી છે, પરંતુ સુરતની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 10થી 12 કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો પુરવઠો છે. જેના કારણે સોમવારે ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની સુરત બ્રાન્ચ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઓક્સિજનની માગ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે, જો આમ જ ઓક્સિજનની અછત રહેશે તો શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થઈ શકે છે.
મુખ્યપ્રધાનને પણ પત્ર લખ્યો છે: IMA પ્રમુખ
સુરતની અનેક એવી હોસ્પિટલ છે, જ્યાં સોમવારે સાંજ સુધી ચાલે એટલો જ ઓક્સિજનનો પુરવઠો છે. સુરત IMAના પ્રમુખ ડૉ. હિરલ શાહે ETV Bharatને જણાવ્યું હતું કે, અમે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ઓક્સિજનની માગ કરી છે. સુરતના ખાનગી હોસ્પિટલોમાં હવે માત્ર 12થી 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે. સરકાર ઓક્સિજન પૂર્તિ માટે કામગીરી કરે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઇ છે. જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો દર્દીઓના જીવ જોખમમાં છે.
આ પણ વાંચો: સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ
ઓક્સિજનની અછતથી ખાનગી હોસ્પિટલો દર્દીઓને નથી લઈ રહી
સુરતની ખાનગી હોસ્પિટલોમાં 4000થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં IMA સુરતના કોવિડ એક્શન કમિટીના પ્રમુખ નિર્મલ ચોરડીયાએ ETV Bharatને જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી રહ્યા નથી. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો સુરતમાં લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ ખરાબ થશે. સુરતમાં હાલ ઓક્સિજનની અછત છે અને અમે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: ઓક્સિજનની અછત સર્જાતા નમો કોવિડ હોસ્પિટલ 96 કલાકમાં જ બંધ થઇ
આર્સેલર મિત્તલ કંપની દ્વારા કોવિડ હોસ્પિટલની કામગીરી લગભગ પૂર્ણ
ઓક્સિજનની અછતને લઈ જે રીતે સોમવારે ડોક્ટરોની ટીમ સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, તેમની સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી ફણ પહોંચ્યા હતા. તેમણે ETV Bharatને જણાવ્યું હતું કે, સુરતમાં ઓક્સિજનની અછત છે. ઓક્સિજનની અછત મામલે કામગીરી કરવામાં આવી રહી છે. કલેકટર સહિતના અધિકારીઓ વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે. હું કલેક્ટર સાથે યોજાયેલી મિટીંગમાં હાજર હતો. રાજ્ય સરકાર પણ ઓક્સિજનની અછતને ગંભીરતાથી મોનિટરીંગ કરી રહી છે. હાલ આર્સેલર મિત્તલ કંપની દ્વારા કોવિડ હોસ્પિટલની કામગીરી લગભગ પૂર્ણ કરવામાં આવી છે.