સુરત: સુરત પોક્સો કોર્ટે આજે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ગુનેગારને ફાંસીની સજા માટે ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. આરોપીને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી શકે છે. જે અંગે એડીશનલ સેશન્સ જજે આદેશ કર્યો છે. ઓક્ટોબર 2018માં ગોડાદરામાં બનેલી આ ઘટનાના સંદર્ભે આરોપી અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજાની ફટકારી હતી. સુરત કોર્ટના ચૂકાદાને ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો હતો.
સરકારી વકીલે આરોપી અનિલ યાદવના ડેથ વોરંટ માટે અરજી કરી હતી. જેને માન્ય રાખીને કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. આગામી 29 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે આરોપી અનિલ યાદવને ફાંસી આપવામાં આવી શકે છે. જોકે, આરોપી પાસે પોતાના બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે.