- Surat Cyber Crime Branch ની મોટી સફળતા
- ચાઈનીઝ એપ્લિકેશનના માધ્યમથી છેતરપિંડી કરતા 2 ઝડપાયા
- લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને આચરતા હતા Cyber Crime
સુરત :'પાવર બેન્ક' અને 'ઇઝેડ પ્લાન' નામની ચાઈનીઝ એપ દ્વારા બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતભરમાં અલગ-અલગ લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપી 520 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને સુરત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ( Surat Cyber Crime Branch ) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ દ્વારા નાણા સુરતમાં બોગસ કંપનીઓ ઊભી કરાવીને જમા કરાવવામાં આવતા હતા.
એક આરોપી ચા-નાસ્તાની લારી ધરાવે છે
સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ( Surat Cyber Crime Branch ) દ્વારા ઝડપી પાડવામાં આવેલા બે ભેજાબાજોએ સુરતમાં બોગસ કંપની ઊભી કરીને ચાઈનીઝ એપના માધ્યમથી 520 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સૌથી અગત્યની વાત છે કે, કરોડો રૂપિયાની છેતરપિંડીના આ ગુનામાં સુરતથી ધરપકડ કરાયેલા બન્ને આરોપીઓ પૈકી એક આરોપી ચા-નાસ્તાની લારી ચલાવે છે અને બીજો આરોપી એજન્ટ છે. સુરતમાં ચા અને નાસ્તાની લારી ચલાવનારા 35 વર્ષીય વિજય વણઝારા પાલિકા આવાસમાં રહે છે જ્યારે બીજો આરોપી 30 વર્ષીય જય પારેખ અડાજણ ખાતે રહે છે.
પાંચ લાખ જેટલા ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી
ચાઈનીઝ એપ્લિકેશનના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ પર દૈનિક ધોરણે મુદ્દલ ઉપર વ્યાજ આપવાની લાલચ આપીને રોકડ કરાવી ગ્રાહક પાસેથી પૈસા લાવતા હતા. આ ગેંગ દ્વારા ભારતભરમાં બેંગ્લોર, દિલ્હી, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં આશરે 5 લાખ જેટલા ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ Cyber Crime માં સુરતના બે લોકો પણ શામેલ હતા. જેમની ધરપકડ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ ( Surat Cyber Crime Branch ) દ્વારા કરવામાં આવી છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી
દિલ્હી સાયબર ક્રાઈમ બ્રાન્ચ ( Delhi Cyber Crime Branch ) ખાતે પકડાયેલા આરોપીઓ દ્વારા પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઈનીઝ એપ બનાવવામાં આવી હતી. જે ચાઈનીઝ એપ દ્વારા દેશના લાખો લોકોને નાણા ડબલ કરવાની લાલચ આપીને પાંચ લાખ જેટલા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે બોગસ કંપનીઓ પણ બનાવવામાં આવી હતી અને તેઓના નામ એકાઉન્ટ રજિસ્ટર્ડ કરવામાં આવતા હતા અને આ બોગસ કંપનીઓના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને તે એકાઉન્ટમાંથી મુખ્ય આરોપીઓને મોકલવામાં આવતા હતા. આ ગેંગના સભ્યો સામે દિલ્હી સાયબર ક્રાઈમ બ્રાન્ચ ( Delhi Cyber Crime Branch ) ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.