- શ્રી સાંઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણ દ્વારા શરૂ કરાયું સેન્ટર
- આ સેન્ટરમાં દર્દીને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ
- કોરોના પોઝિટિવ દર્દીઓ માટે 15 ઓક્સિજન સિલિન્ડર સાથે 40 બેડની સુવિધા
સુરત: ગ્રામ્ય સાથે ઓલપાડ તાલુકામાં કોરોનાનું નોંધપાત્ર રીતે સંક્રમણ વધી રહ્યું છે. જે આરોગ્ય વિભાગના પોઝિટિવ કેસના આંકડાઓ પરથી પણ સાબિત થયું છે. ઓલપાડ તાલુકાની વાત કરીએ તો, તાલુકાના 105 ગામો પૈકી સાયણ તથા આજુબાજુના ગામોમાં પોઝિટિવ કેસની સંખ્યા વધુ છે. એટલું જ નહીં પણ કોરોનાએ સૌથી વધુ લોકોનો સાયણ ગામમાં ભોગ લીધો છે. સાયણ ગામ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના કામદારો પણ મોટી સંખ્યામાં વસેલા છે. ગરીબ અને મધ્યમ પરિવારો સભ્ય કોરોના સંક્રમિત થાય ત્યારે તેને હોમ ક્વોરેન્ટાઇન કરવાની મોટી સમસ્યા ઉદ્ભવે છે. ત્યારે સાયણમાં એક આઇસોલેશન સેન્ટરની જરૂર હતી.
આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ
ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિત પટેલ, સાયણ સુગર ચેરમેન રાકેશ પટેલ, જીવનરક્ષા હોસ્પિટલ ટ્રસ્ટ મંત્રી ધર્મેશભાઈ પટેલ તથા ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપભાઈ દેસાઈના હસ્તે આઇસોલેશન સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: જામનગર: જાંબુડા CHC હોસ્પિટલમાં 10 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું
ગરીબ અને મધ્યમ વર્ગને સમયસર સારવાર મળે તેવા શુભ આશયથી શરૂ થયું સેન્ટર
જેમાં સાયણ તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના કોરોના સંક્રમિત થયેલા દર્દીને ઘર આંગણે પ્રાથમિક સુવિધા સાથે સારવાર મળતી થાય તેવા શુભ આશયે શ્રી સાંઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણ સંચાલિત 15 ઓક્સિજન સિલિન્ડર સાથે 40 બેડની સુવિધા સાથે તાલુકાનું પ્રથમ આઇસોલેસન સેન્ટર કાર્યરત થયું છે. અહીં આવેલા કોરોના પોઝિટિવ દર્દીને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર અને સુવિધા મફત આપવામાં આવશે.
ટ્રસ્ટના સભ્યો કોવિડ મૃતકોને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જવાની કામગીરી કરે છે
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કે ઘરે હોમ ક્વોરેન્ટાઇન રહેલા કોરોના પોઝિટિવ દર્દીના મોત બાદ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે લઈ જવાની બાબતે સ્વજનોને થતી તકલીફ દુર કરવાના આશયે શ્રી સાંઈ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, સાયણના સભ્યોએ કોવિડના મૃતકોને સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈ જવાની કામગીરી પણ કરાઈ રહી છે.
આ પણ વાંચો: રાજકોટના કોવિડ સેન્ટરોમાં બેડ ફુલ, દર્દીઓ મારી રહ્યા છે વલખા
આઇસોલેશન સેન્ટરમાં જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે
આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સાયણ ગામમાં રહેતા ગરીબ અને મધ્યમાં પરિવારના કોરોના પોઝિટિવ થયેલા દર્દીને ઘર આંગણે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 40 બેડ સાથે કાર્યરત કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજન સાથે અન્ય કોઈપણ સુવિધાની જરૂર પડ્યે સરકાર તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી આપશે. જેથી દર્દીને સારવારમાં વધુ સગવડતા રહેશે.