- 11 મહિના બાદ સોમવારથી ફિઝિકલ કોર્ટ શરૂ
- ફિઝિકલ કોર્ટ શરૂ થતા વકીલોમાં ઉત્સાહનો માહોલ
- પહેલા વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસની સુનાવણી કોર્ટ કરવામાં આવતી હતી
સુરત : કોરોનાના કારણે વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસની સુનાવણી કોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણના કેસ ઘટતા 11 મહિના બાદ સોમવારથી ફિઝિકલ કોર્ટ શરૂ થઈ ગઈ છે. કોર્ટમાં વકીલો સહિત કામકાજ માટે આવતા લોકોને ટેમ્પરેચર ચેક કરી સેનિટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
સુરત ખાતે તમામ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ
સરકારી જિલ્લા વકીલ નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, કોરોના કારણે 23 માર્ચ, 2020થી કોર્ટ બંધ હતી. કોર્ટની તમામ કામગીરી ઓનલાઈન ચાલતી હતી. ઓનલાઈન ઘણા કેસોની સુનાવણી કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ સોમવારથી સુરત ખાતે તમામ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ થઈ છે. કોર્ટ શરૂ થઈ જતા વકીલો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારી સંખ્યામાં વકીલો કોર્ટમાં આવ્યા છે. હવે વકીલો પણ પોતાના કેસની રજૂઆત સારી રીતે નામદાર કોર્ટ સમક્ષ કરી શકશે.
નામદાર કોર્ટમાં જેનો કેસ હોય એ પક્ષકાર અને વકીલને જ કોર્ટમાં પ્રવેશ
નયન સુખડવાળાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ ન ફેલાય તેને લઈને કોર્ટના વહીવટી તંત્રએ પણ પૂરેપૂરી તકેદારી રાખી છે. કોર્ટમાં વકીલો સહિત કામકાજ માટે આવતા લોકોને ટેમ્પરેચર ચેક કરી સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વકીલો પણ સારી રીતે નિયમનું પાલન કરી રહ્યા છે. નામદાર કોર્ટમાં જેનો કેસ હોય એ પક્ષકાર અને વકીલ કોર્ટમાં જાય છે.