સુરત: બે દિવસ અગાઉ નવી સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડથી નાસી ગયેલા કોરોના પોઝિટિવ દર્દી સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ નજીકથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ મળતા તંત્રે એકતા ટ્રસ્ટને જાણ કરી નિયમાનુસાર મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ દ્વારા પીએમ રૂમ આસપાસ સેનિટાઈઝ કરાવવામાં આવ્યું હતું.
28મી એપ્રિલના રોજ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, સુરતના નવી સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાંથી એક કોરોના પોઝિટિવ દર્દી નાસી ગયો છે. આ દર્દી મંગળવારે સવારે 11 વાગ્યે નાસી ગયો હતો. જેની શોધખોળ પોલીસે શરૂ કરી હતી. આ દર્દી સુરતના રેડઝોન વિસ્તારમાંથી સિવિલમાં દાખલ કરાયો હતો. માનદરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા 50 વર્ષીય ભગવાન હરીકૃષ્ણ રાણાનું 21 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયા હતાં.
રેડ ઝોનનો આ દર્દી ભાગી જતા પ્રથમ ખટોદરા પોલીસને જાણ કરાઈ હતી, ત્યાર બાદ રેડઝોન માનદરવાજા વિસ્તારના લિંબાયત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, આજે આ દર્દી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહારથી મૃત હાલતમાં મળી આવતાં એપેડેમીક નિયમ મુજબ, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જ્યાં બાદમાં પોસ્ટમોર્ટમ રૂમની આસપાસ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.