સુરતઃ રાજ્યમાં કોવિડ-19 ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીની દેખરેખ, સમીક્ષા અને વધુ માર્ગદર્શન માટે બે દિવસ સુધી ચાર વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ સુરત અને અમદાવાદની મૂલાકાતે છે. આ ટીમ ગુરુવારે સુરત આવી પહોંચી છે.
આ ટીમમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજા સામેલ છે. આ ટીમ અમદાવાદથી સુરત આવી છે. સુરતમાં આ તજજ્ઞ ટીમ સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કોવિડ-19 અંતર્ગત સુરતમાં વિશેષ ફરજ પર મૂકાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
કેન્દ્રીય ટીમના સભ્યો શુક્રવારે સવારે સુરતમાં ફિલ્ડ વિઝીટ કરશે અને બપોરે અમદાવાદ જશે. તેમજ અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મૂલાકાત લીધા પછી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
રાજ્યના અધિકારીઓ અને તબીબોને માર્ગદર્શન મળી રહે એ હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો, જેના પરિણામે આ ટીમ સુરત આવી છે. રાજ્યમાં કોરોના સંદર્ભની કામગીરી પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ આ ટીમ સાથે રહેવાના છે.