સુરતઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તંત્રનું ધ્યાન માત્ર સુરત શહેર પૂરતું જ હોય તેવું ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે રેકોર્ડ બ્રેક 132 કેસો સાથે કુલ સંખ્યા 7 હજાર 549 પર પહોંચી છે. જ્યારે બારડોલી તાલુકામાં ત્રણ મોત સાથે કુલ મૃત્યુ આંક 250 પર પહોંચ્યો છે.
સુરત જિલ્લામાં મંગળવારના રોજ 132 જેટલા કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. દિનપ્રતિદિન વધી રહેલા કેસો છતાં વહીવટી તંત્ર તદ્દન નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ક્યાંય પણ તંત્ર જોવા નથી મળી રહ્યું અને ક્વોરોન્ટાઇન પણ માત્ર કાગળ પર જ થતું હોવાનું લોકોના મુખે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ તંત્ર અને સરકાર પણ માત્ર સુરત શહેર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શહેરમાં કોરોનાને કાબુમાં લાવવા માટે વિશેષ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવે છે, પણ ગ્રામ્ય વિસ્તાર તરફ કોઈનું ધ્યાન જતું નથી. ગ્રામ્ય વિસ્તારના લોકો ભગવાન ભરોસે હોવાનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારના રોજ અત્યારસુધીમાં સૌથી વધુ 132 કેસો નોંધાયા હતા. જેમાં ચોર્યાસી તાલુકામાં નવા 18 કેસો સાથે કુલ 1 હજાર 379 અને 31 મોત, ઓલપાડમાં નવા 17 કેસો સાથે કુલ 913 અને 36 મોત, કામરેજમાં નવા 18 કેસ સાથે કુલ 1 હજાર 457 અને 82 મોત, પલસાણામાં નવા 26 કેસ સાથે કુલ 1 હજાર 107 અને 23 મોત, બારડોલીમાં નવા 19 કેસો સાથે કુલ 1 હજાર 244 અને આજે ત્રણ સાથે કુલ 37 મોત, મહુવામાં નવા 14 કેસ સાથે 357 અને 5 મોત, માંડવીમાં નવા 6 કેસ સાથે કુલ 341 અને 15 મોત, માંગરોળમાં નવા 14 કેસ સાથે કુલ 681 અનેાર 20 મોત તેમજ ઉમરપાડામાં 70 કેસ અને 1 મોત નોંધાય ચુક્યા છે. જિલ્લામાં 107 દર્દીઓ સાજા થતા તેમને મંગળવારના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં જિલ્લામાં 6 હજાર 210 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 1 હજાર 89 લોકો હજુ સારવાર હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વધી રહેલા સંક્રમણને કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તેમ છતાં ક્યાંય પણ કોઈ નિયંત્રણો જોવા નથી મળી રહ્યા. સુરત ઉપરાંત અમદાવાદ જેવા શહેરમાં રાત્રે નિયંત્રણો લાદી શકાતા હોય તો કેટલાક નિયંત્રણો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ લાદવામાં આવે તો જ સંક્રમણ કાબુમાં આવે તેવી શકયતા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.