- સુરતમાં કોરોનાની સ્થિતી કાબૂની બહાર
- પ્રોડક્શન કરતા ઓક્સિજનની માગમાં વધારો
- દરરોજ 4000થી 6000 ઓક્સિજન સિલિન્ડરોની ડિમાન્ડ
સુરત: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ફેઝ 3ના કારણે સંક્રમણ વધી રહ્યું છે. વેન્ટીલેટર પરના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેઓ હાલ ઘરે સારવાર મેળવી રહ્યા છે તેમને પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં શહેરમાં ઓક્સિજનની ડિમાન્ડ ઘણી વધારે છે. સુરત શહેરમાં ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરનાર મુખ્ય એ.ડી મોરે એન્ડ સન્સના સંચાલકની વાત માનીએ તો દરરોજ 4000થી લઇ 6000 ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે મોટી મોટી લાઈનો લાગી રહી છે.
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા
ત્રણ-ચાર દિવસમાં ઓક્સિજનની ડિમાન્ડમાં ભારે ઉછાળો
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ 700થી વધુ કેસો પોઝિટિવ આવી રહ્યા છે. શહેરમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે અચાનક જ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ઓક્સિજનની ડિમાન્ડમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યા છે. શહેરમાં આમ તો 12 જેટલી એજન્સી ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરી રહી છે. પરંતુ ઓક્સિજન સિલિન્ડર સપ્લાય કરનાર શહેરની મુખ્ય એજન્સી એ.ડી. મોરે એન્ડ સન્સના માલિક આત્મારામ મોરેએ જણાવ્યું છે કે, સ્થિતિ ખૂબ જ ભયંકર છે. ઘરમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને ઓક્સિજનની જરુર પડી રહી છે. અને વહેલી સવારથી જ એજન્સીની બહાર લોકોની ભીડ જોવા મળે છે. ત્રણ દિવસ પહેલા સાડા ત્રણ હજાર ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ હતી. ગઈકાલે સાડા ચાર હજાર થઈ અને આજે અત્યાર સુધીમાં સાત હજાર જેટલા નાના સિલિન્ડરની માંગ લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચો : સુરત કોરોના કેસ વધતા લોકોમાં રોષ
પ્રોડક્શન કરતા હાલ સુરત શહેરમાં ડિમાન્ડ ઘણી વધારે
ઓક્સિજન સપ્લાય કરનાર ઈનોક્સ કંપની સુરતના હજીરા ખાતે આવેલી છે. પરંતુ તેના પ્રોડક્શન કરતા હાલ સુરત શહેરમાં ડિમાન્ડ ઘણી વધારે છે. 20 ટન પ્રોડક્શન સામે ડિમાન્ડ 200 ટનની છે. એ.ડી.મોરે એન્ડ સન્સ સુરતના નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર પ્રોવાઇડ કરે છે. જેથી આ બંને હોસ્પિટલના કોવિડ સેન્ટરના દર્દીઓને ઓક્સિજન મળી રહે. તેઓએ જણાવ્યું છે, કે માત્ર સુરત જ નહીં તાપી જિલ્લા અને મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલા નંદુરબાર,જલગામ, ધુલિયા જેવા વિસ્તારોમાં પણ કોરોનાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે . જેથી સુરતમાં ઓક્સિજનની ડિમાન્ડ પણ વધી ગઈ છે. પરંતુ આ ડિમાન્ડને પૂર્ણ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી.