- પૂર્વ પ્રધાન અને પોલીસ અધિકારી સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ
- ભાજપના જ પૂર્વ પ્રધાન કાંતિ ગામીતના પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા
- ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માગ્યો જવાબ
તાપી: જિલ્લાના સોનગઢ તાલુકા ના ડોસવાડા ગામે ગત 30મીની રાત્રિએ ભાજપના પૂર્વ પ્રધાન દ્વારા તુલસી વિવાહ અને પૌત્રીની સગાઈનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં હજારોની જનમેદની ભેગી થઈ હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હાઇકોર્ટે ટકોર કરી હતી. જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પૂર્વ પ્રધાન અને પોલીસ અધિકારી સહિત 18 વ્યક્તિઓ વિરુદ્ધ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.
કોન્સ્ટેબલ સહિત 18 વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો
ગત 30મી નવેમ્બરની રાત્રે સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે પૂર્વ પ્રધાન કાંતિ ભાઈ ગામીત દ્વારા પોતાની પૌત્રીની સગાઈ અને તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. જેનો વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું હતું. જેની ગંભીર નોંધ હાઇકોર્ટે પણ લીધી છે. જે બાદ બુધવારના રોજ પૂર્વ પ્રધાન કાંતિ ગામીત, તેનો પુત્ર જીતુ ગામીત, ભાજપના નગર પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ ચાંદાંતરે, સોનગઢના PI સી. કે. ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ સહિત 18 વ્યક્તિ સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરવામાં આવી છે.
45 વર્ષીય પુરૂષ પોઝિટિવ નોંધાયો
જે જગ્યાએ આ કાર્યક્રમ થયો હતો, તે જગ્યાએથી બુધવારના રોજ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ડોસવાડાના ભગત ફળિયામાંથી એક 45 વર્ષીય પુરૂષ કોરોના સંક્રમિત થયો છે. જેનો કોરોનાની પ્રેસ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણો સમગ્ર શું છે સમગ્ર ઘટના?
પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં 6000થી વધુ લોકો ભેગા થતા તપાસના આદેશ અપાયા
1 ડિસેમ્બર, તાપી : ગુજરાતમાં કોરોનાના કેસ વધતા રાજ્યમાં સરકારે લગ્ન પ્રસંગમાં લોકોનો જમાવડો ઓછો કરવા આકરા દંડ વસુલી રહી છે ત્યારે સત્તારૂઢ પક્ષના નેતાઓ જ છડેચોક કાયદાનું ઉલ્લંધન કરતા અવાર-નવાર જોવા મળે છે. તાપી જીલ્લાના પૂર્વ ધારાસભ્યની પૌત્રીની સગાઈ પ્રસંગે આશરે 6000 થી વધુ લોકો ભેગા થયા હતા. જેનો વીડિયો વાઇરલ થતા આખરે પોલીસે તપાસના આદેશ આપ્યા છે જ્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા ભૂલ સ્વીકારી માફી માંગવામાં આવી છે.
પૌત્રીની સગાઈમાં હજારો લોકોને બોલાવવા કાંતી ગામીતને પડ્યું ભારે, ગૃહપ્રધાને આપ્યા તપાસના આદેશ
1 ડિસેમ્બર, ગાંધીનગર :રાજ્ય સરકારે હાલમાં જ કોરોનાના કારણે લગ્ન પ્રસંગમાં કેટલા લોકોને બોલાવવા તે અંગે નિયમ બનાવ્યો છે, પરંતુ સરકારના આ નિર્ણયને ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કાન્તિ ગામીત ઘોળીને પી ગયા છે. કાન્તિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારો લોકોને આમંત્રણ આપીને કોરોનાની ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરતા સોશિયલ મીડિયામાં સવારથી જ આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
કાંતિ ગામીતની પૌત્રીની સગાઇના વીડિયો મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, રાજ્ય સરકારની કાઢી ઝાટકણી
2 ડિસેમ્બર, અમદાવાદ: તાપીના સોનગઢમાં ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ પ્રધાન કાંતિ ગામીતના પૌત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ભેગી કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઇ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.
કાંતિ ગામીતની પૌત્રીની સગાઈના વાઇરલ વીડિયો મામલે પુત્ર જીતુ ગામીત સામે ફરિયાદ નોંધાઇ
2 ડિસેમ્બર, તાપી : તાપી જિલ્લાના ડોસવાડા ગામના પૂર્વ આદિજાતિ પ્રધાન કાંતિ ગામીતની પૌત્રીની સગાઇમાં કોરોના ગાઇડલાઇન્સ ભંગના વાઇરલ વીડિયો મામલે પોલીસ હરકતમાં આવતા કાંતિ ગામીતના પુત્ર જીતુ ગામીત સામે ફરિયાદ નોંધાઇ છે.
મંગળ ગામીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ, ફરજમાં બેદરકારી દાખવવા બદલ પી.આઈ. સહિત કોન્સ્ટેબલ સસ્પેન્ડ
1 ડિસેમ્બર, ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે જાહેર મેળાવડા, લગ્ન પ્રસંગ અને અંતિમ વિધિના કાર્યક્રમમાં નિયત સંખ્યા મર્યાદિત કરી છે. ત્યારે ભાજપના જ પૂર્વ પ્રધાન કાંતિ ગામીતે પોતાની પુત્રીના સગાઈ દરમિયાન હજારો લોકોને ભેગા કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ અને બીટ જમાદારને પણ સસ્પેન્ડ કરાયા હોવાનું નિવેદન રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હતું.