- બારડોલી, હરિપુરા અને કામરેજમાં કાર્યક્રમ યોજાયો
- બારડોલીમાં ઈશ્વર પરમારે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો
- હરિપુરમાં કિશોર કાનાણી રહ્યા ઉપસ્થિત
સુરત: બારડોલી સહિત સુરત જિલ્લામાં ત્રણ સ્થળેથી આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થયો હતો. બારડોલી ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે અને બારડોલી તાલુકાના હરિપુરા ખાતે રાજ્યના આરોગ્યપ્રધાન કિશોર કાનાણીએ 'આઝાદીના અમૃત મહોત્સવ'નો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત કામળેજ ખાતે પણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતને વિશ્વગુરુ બનાવવાનું લક્ષ્ય : ઈશ્વર પરમાર
બારડોલીના સરદાર ટાઉન ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે 'આઝાદી કા અમૃત મહોત્સવ'નો પ્રારંભ કરાવતા રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટે અનેક વિરલાઓએ બલિદાન આપ્યા છે. 75 વર્ષની ભવ્ય ઉજવણીથી તેમના બલિદાનો- સ્વાભિમાનની ગાથાથી આવનારી પેઢી સંસ્કારીત તેમજ પ્રેરિત થશે. તેમણે વધુમાં દેશની પ્રગતિ અને વિકાસમાં યોગદાન આપનારા વ્યક્તિત્વોના વારસાને યાદ કરીને આઝાદીના 75 વર્ષમાં ભારત ક્યાં પહોંચ્યું અને આગામી 25 વર્ષમાં વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે ભવ્ય ભારતના નિર્માણ માટે સૌને કટિબદ્ધ થવા હિમાયત કરી હતી.
આ પણ વાંચો: આઝાદીનો અમૃત મહોત્સવ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમથી કરાવશે આરંભ
દાંડી યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા જિલ્લાના લોકોને અનુરોધ
આઝાદીના 75 વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે 75 સપ્તાહ સુધી દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. 1930માં મહાત્મા ગાંધીજીએ યોજેલી દાંડી યાત્રાની સ્મૃતિને વર્તમાન સમયમાં ઉજાગર કરવા માટે 81 પદયાત્રીઓની સાબરમતી આશ્રમથી દાંડી સુધીની 386 કિમીની દાંડી યાત્રાનો વડાપ્રધાને પ્રારંભ કરાવ્યો છે. દાંડી યાત્રા પ્રવેશે ત્યારે બહોળી સંખ્યામાં લોકોને જોડાવાનો અનુરોધ કર્યો હતો.
ગાંધી વિચારોએ અનેક લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા : ભીખા પટેલ
આ પ્રસંગે સ્વરાજ આશ્રમના પ્રમુખ ભીખાભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધી વિચારોએ અનેક લોકોને માટીમાંથી મર્દ બનાવ્યા છે. તેમણે ગાંધીજીના આફ્રિકાથી લઈને અનેક આંદોલનો, સત્યાગ્રહો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પણ વાંચો: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આગામી 12 માર્ચથી દાહોદમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
બારડોલી સાથે ગાંધીનો અનોખો નાતો
સ્વરાજ આશ્રમના નિરંજનાબેન ક્લાર્થીએ જણાવ્યું હતુ કે, ગાંધીજી સાથે બારડોલીનો અનોખો નાતો રહ્યો છે. ગાંધીજીએ બારડોલીની 20થી વધુ વખત મુલાકાત લીધી હતી. આઝાદી માટે અનેક નરબંકાઓએ પોતાના બલિદાનો આપ્યા છે. ત્યારે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આગામી વર્ષોમાં ભારત દેશ વિશ્વ ગુરુ બને તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું.
ગાંધીના વિચારો આજે પણ શાશ્વત : કિશોર કાનાણી
અન્ય એક કાર્યક્રમ બારડોલી તાલુકાના હરિપુરા ગામે યોજાયો હતો. જ્યાં રાજ્યના આરોગ્યપ્રધાન કિશોર કાનાણીએ કાર્યક્રમનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, દેશ સ્વસ્થ અને સ્વચ્છ બને એ ગાંધીજીની સંકલ્પના હતી. જે આયુષ્યમાન ભારત અને સ્વચ્છ ભારત મિશન યોજનાઓથી પૂર્ણ થઈ રહી છે. ગાંધીજીના આદર્શો આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે. તેમણે ઉમેર્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ દેશમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદો પ્રત્યે આદર સન્માન વ્યક્ત કરવાનો અવસર બની રહેશે.
ગાંધીયનોએ રજૂ કર્યા ગાંધી વિચારો
આ પ્રસંગે ગાંધી સાહિત્યના અભ્યાસુ વિનોદચંદ્ર દેસાઈએ ગાંધીયન ફિલોસોફી પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, ગાંધીજીના આદર્શ જીવનનું વર્ણન કરવું એ મહાસાગરમાંથી મોતી વીણવા સમાન છે. ગાંધી વિચારના તજજ્ઞ ડૉ. મનાલી દેસાઈએ આઝાદીના 75 વર્ષની વિકાસ યાત્રા વર્ણવી હતી. આ ઉપરાંત સુરત જિલ્લાના કામળેજ ખાતે દાદા ભગવાન મંદિરમાં પણ આઝાદીના અમૃત મહોત્સવ અને દાંડીકુચ સ્મૃતિ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.