- રાજ્યમાં પ્રથમવાર બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં 13 દિવસમાં દાખલ કરાઈ ચાર્જશીટ
- DCP વિધિ ચૌધરીના નિરીક્ષણમાં દાખલ કરાઈ ચાર્જશીટ
- પાંડેસરા પોલીસે 232 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી
સુરતઃ જિલ્લાના પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા પ્રકરણમાં 13 દિવસના ટૂંકા ગાળામાં જ પાંડેસરા પોલીસે 232 પાનાની ચાર્જશીટ મંગળવારે કોર્ટમાં ફાઇલ કરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રથમ કિસ્સો કહી શકાય છે. DCP વિધિ ચૌધરીના નિરીક્ષણ હેઠળ માત્ર 30 દિવસની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવતી હોય છે. આ પ્રથમ બનાવ છે કે જેમાં 13 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે.
30 દિવસની અંદર ચાર્જશીટ
વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડીંડોલીમાં બે માસૂમ બાળકી સાથે દુષ્કર્મના પ્રકરણમાં પોલીસે 30 દિવસની અંદર જ ચાર્જશીટ દાખલ કરી હતી. જ્યારે લિંબાયતમાં પણ માસુમ બાળકી સાથે બનેલા જઘન્ય અપરાધમાં 23 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આવી જ રીતે અઠવા વિસ્તારમાં પણ જે પ્રકરણ સામે આવ્યું હતું, તેમાં 30 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરાઇ હતી. વર્ષ 2019 માં સચીન જીઆઇડીસી વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો, તેમાં પણ 23 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
પેરવી અધિકારીની નિયુક્તિ કરવામાં આવે છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચકચારી બનાવમાં સુરત પોલીસ દ્વારા પેરવી અધિકારીની નિયુક્તિ કરવામાં આવે છે અને આરોપીને ઝડપથી સજા થાય આ માટે કાયદા વિભાગને સ્પેશિયલ પીપી નિયુક્તિ કરવા માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવે છે. જેટલી ઝડપથી ચાર્જશીટ થાય તેટલી ઝડપથી કેસની તપાસ ફાસ્ટ ટ્રેકમાં ચાલી જાય છે અને આવા કેસમાં જેટલી ઝડપથી કેસ ચાલે તેટલી જલ્દી સજા પણ થતી હોય છે. જે ઉદાહરણરૂપ થાય છે અને આવા કેસને રોકવામાં મદદ થાય છે.
ઝડપથી ચાર્જશીટ, ઝડપી ન્યાય
અત્રે ઉલ્લેખનીય છે કે, IPS વિધિ ચૌધરીના નિરીક્ષણ હેઠળ અત્યાર સુધી જેટલા દુષ્કર્મના પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમાંથી સાત જેટલા કેસમાં કોર્ટે બે વર્ષની અંદર સજા ફટકારી છે. જેમાંથી પાંચ કેસોમાં આજીવન તો એકમાં 20 વર્ષની સજા અને એકમાં ફાંસીની સજા થઈ છે. આ તમામ પ્રકરણમાં ચાર્જશીટ 30 દિવસની અંદર કરી દેવામાં આવી હતી.
13 દિવસમાં દાખલ કરાઈ 232 પાનાની ચાર્જશીટ
પાંડેસરામાં બનેલી ઘટનામાં 7મી ડિસેમ્બરે બપોરે 10 વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડીરાત્રે હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. 27 વર્ષીય હવસખોર દિનેશ દશરથ બૈસાણે બાળકીને વડાપાઉં આપવાની લાલચે અપહરણ કર્યુ હતું. વડાપાઉં પાર્સલ કરાવી રિક્ષામાં હવસખોર દિનેશ બાળકીને ઝાડી-ઝાખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. બાળકીએ પ્રતિકાર કરતા હવસખોરે પથ્થર બાળકીના માથામાં મારી હત્યા કરી હતી. 13 દિવસમાં દાખલ 232 પાનાની ચાર્જશીટમાં પોલીસે 69 સાક્ષીઓ, એફએસએલના પુરાવા, સીસીટીવી કેમેરા તેમજ બનાવવાળી જગ્યાનો નકશો સહિતના પુરાવા મુકયા છે. ખાસ કરીને આરોપી દિનેશ દશરથ બૈસાણે જાતે બનાવવાળી જગ્યા બતાવી છે. આરોપીના કપડા પર બાળકીના લોહીના ડાઘ મળ્યા, બાળકીએ આરોપીનો પ્રતિકાર કર્યો ત્યારે આરોપીને નખ માર્યો અને હાથમાં બચકું ભર્યુ તેના નિશાનો પણ મળ્યા છે.