- સુરત એરપોર્ટ કોરોના ટેસ્ટિંગ માટે નાનું પડે છે
- કસ્ટમ કાઉન્ટરની બાજુમાં જ રાખવામાં આવ્યું કોરોના ટેસ્ટિંગ
- લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી
સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે એરપોર્ટ, ટોલ નાકા અને બસ સ્ટેન્ડ ઉપર કોરોનાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુરત એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને કસ્ટમ ચેકિંગને લઇ અવ્યવસ્થાના દૃશ્યો સામે આવ્યા છે. સુરત એરપોર્ટ પર શારજાહની ફ્લાઈટ આવ્યા બાદ અવ્યવસ્થાના દ્રશ્યો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:સુરતના હોટસ્પોટ વિસ્તાર લીંબાયતમાં રમજાનની ખરીદીના દ્રશ્યો વિચલિત કરી દેશે
લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી.
કોરોના ટેસ્ટિંગ કસ્ટમ ચેકિંગની બાજુમાં જ કરવામાં આવતા યાત્રિઓએ હંગામો કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા અને ટેસ્ટમાં પણ બે જ લોકોનો સ્ટાફ હોવાના કારણે યાત્રીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યાત્રીઓએ આક્ષેપ કર્યા છે કે, એક્ઝિટ ગેટને બદલે કોરોના ટેસ્ટ કસ્ટમ કાઉન્ટર પાસે જ મૂકાતા લાઈન આગળ નથી વધતી સાથે લગેજ બેલ્ટ અને કસ્ટમ લાઇન માટે પણ એરપોર્ટ પર પર્યાપ્ત જગ્યા નથી. આ સ્થિતિ વચ્ચે વૃદ્ધો અને મહિલાઓએ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર મામલે સુરત એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે કાર્યરત એનજીઓના સભ્ય સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, આ સ્થિતિ રોજ જોવા મળે છે, ટર્મિનલ નાનું હોવાના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે.