- સોમાભાઇનો વીડિયો સામે આવ્યો
- કોંગ્રેસે લગાવ્યા ભાજપ પર ગંભીર આક્ષેપો
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી
સુરત : રાજ્યમાં આઠ બેઠક માટે વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે આ પહેલા કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વીડિયો જાહેર કરી આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે વીડિયો જાહેર કરી ભાજપ પર ધારાસભ્યોના ખરીદ વેચાણનો આરોપ લગાવ્યો છે. જે સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ વીડિયોને મનગણત ગાણાવ્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી
કોંગ્રેસના ધારાસભ્યોના ખરીદ વેચાણ કરવાના કોંગ્રેસે ભાજપ પર લગાવેલા ગંભીર આરોપોનો જવાબ આપવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે.
કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સોમાભાઇના ચહેરા વાળો વીડિયો બતાવતી નથી. ક્યાંય ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો ઉલ્લેખ નથી. વીડિયોમાં ફક્ત મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. લેવડ દેવડમાં મારા નામનો કોઇ ઉલ્લેખ નથી. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. સોમા ભાઈએ 15મી માર્ચના રોજ રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ હું પ્રદેશની ટીમમાં આવ્યો છું.
કોંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે
વધુમાં પાટીલે કહ્યું કે, આ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. તમામ આઠ સીટ ભાજપ જીતશે અને આગળ પણ કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. કોંગ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે. આવનારા બીજા 25 વર્ષમાં સત્તા પર નહીં આવી શકે. પુલવામાં હુમલા સમયે પણ ખોટા આક્ષેપ કર્યા હતા. દેશની માફી માંગવી જોઈએ.
સોમાભાઇનું સ્ટિંગ કરનારો અંકિત બારોટ કોણ છે...?
રાજ્યમાં આઠ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે અને દિવાળી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડાના સ્ટિંગનો વીડિયો શેર કરી બોમ્બ ફોડ્યો છે. સ્ટિંગ સમયે સામે બેઠેલા વ્યક્તિ જે હિન્દી ભાષામાં સોમા ગાંડાને સવાલ કરી રહ્યો છે, તે ગાંધીનગર મહાપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર અંકિત બારોટ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અંકિત બારોટ સાથે etv ભારત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તે વીડિયો મારો નથી મારા જેવો અવાજ કાઢવામાં આવી રહ્યો છે. જોકે ત્યારબાદ તેમનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.