સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વસ્તાદેવડી રોડ પર બે માળની નીતા એસ્ટેટ નામની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. ધડાકા ભેર અવાજ આવતા લોકોમાં અફતરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે માળની આ બિલ્ડીંગમાં જરી અને એમ્બ્રોડરીના વજનદાર મશીનો મુકવામાં આવ્યા હતા. જેથી દુર્ઘટના વધુ ભયાનક બની હતી. આ એસ્ટેટ નીચે 5 જેટલી દુકાનો પણ છે. બિલ્ડીંગ પડતા તમામ દુકાનદારો જીવ બચાવી નાસી ગયા હતા. પરંતુ બિલ્ડીંગના કાટમાળમાં બિલ્ડિંગની અંદર કામ કરી રહેલા 3 કારીગરો દબાઈ ગયા હતા.
આ ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગના કર્મચારીઓ, પોલીસ અને પાલિકાના અધિકારીઓ સહિત મેયર દોડી આવ્યા હતા. અને ત્રણેય કારીગરોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એક શિવકુમાર નામના કારીગરનું મોત થયું છે. ઘટનાની જાણકારી મળતા મેયર ડૉ. જગદીશ પટેલ સહિતના પદાધિકારીઓ દોડી ગયા હતા. મેયરે જણાવ્યું હતું કે, બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જર્જરિત ઇમારત અંગે પાલિકાના અધિકારીઓની બેદરકારી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.
ફાયર વિભાગના અધિકારી વસંત પરેખે જણાવ્યું હતું કે, ઘટનામાં દબાયેલા તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે. બિલ્ડીંગમાં જરીનું કારખાનું ચાલતું હતું અને ભારે મશીનરી પણ હતી. તમામ માળે આ મશીનરીઓ હતી. ત્રણ લોકો ફસાયા હતાં જેમનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. ત્રણ વ્યક્તિઓના રેસ્ક્યુ કરાયા તેમાંથી એક મહિલાનો સમાવેશ થાય છે. મહિલાને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં મહિલા હેબતાઈ ગઈ હોવાથી કશું જ બોલતી નહોતી.
આ એસ્ટેટના ભાડુત મનોજ ભાઈએ જણાવ્યું હતું કે, જર્જરીત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ બિલ્ડીંગને અગાઉ વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હતી. ત્રણેક માલિક બદલાઈ ગયા હોવાથી આસપાસના લોકોને પણ કારખાનું કોનું છે તે અંગે જાણકારી નથી.