સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા BRTS રૂટ પર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા માટે સુરત મનપા દ્વારા સ્વિનગ મશીન લગાવવામાં આવ્યા છે. જેનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. જો કે, ખાનગી કંપનીની બેદરકારી કે પછી કોન્ટ્રાકટરના માણસોની લાલિયાવડીના કારણે કેટલાક સ્વિનગ મશીન ગત કેટલાક સમયથી બંધ હાલતમાં પડ્યા છે. આ અંગે છાસવારે કંપનીને BRTS પરિવહનના ચેરમેન હેમાંગી બોગાવાળા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં ઇજારદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેનો ઉકેલ કરવામાં આવ્યો નથી.
ભાજપના નેતા અને પરિવહન ચેરમેન હેમાંગી બોગાવાળાએ પાંડેસરા વિસ્તારમાં આવેલા BRTS રૂટ પર જઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં સ્વિનગ ગેટ મશીન બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તેમણે પોતાની ઓફિસમાં 24 કલાક માટે ધરણાં શરૂ કરી દીધા હતા. જેના કારણે સુરત મહાનગરપાલિકા કચેરીમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ અંગે મેયર જગદીશ પટેલે તાત્કાલિક બેઠક બોલાવી કંપનીના કોન્ટ્રેક્ટરોને તાકીદે તેંડુ આપી બોલાવ્યા હતા. મેયર જગદીશ પટેલ, ડેપ્યુટી મેયર નીરવ શાહ સહિત પાલિકા અધિકારીઓ અને કંપનીના ઇજારદારો સહિત કોન્ટ્રાક્ટરોની હાજરીમાં મળેલી બેઠકમાં હેમાંગી બોગાવાળાની મક્કમતા જોઈ તાત્કાલિક બંધ હાલતમાં પડેલા 9 જેટલા સ્વીનગ મશીન કાર્યરત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 38 જેટલા સ્વીનગ મશીનો યુદ્ધના ધોરણે શરૂ કરવાની ખાતરી આપતા હેમાંગી બોગાવાળાએ પોતાના ધરણાં સમેટી લીધા હતા.
સુરત મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખાતરી મળતાં હેમાંગી બોગાવાળાએ 4 કલાકથી શરૂ કરેલા ધરણાં સમેટી લીધા હતા. આ અંગે સુરત મેયરે જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે અથવા ખાનગી વાહનોના કારણે સ્વીનગ મશીનો બંધ પડી શકે છે, પરંતુ તેમ છતાં ઈરાદા પૂર્વક જો ઇજારદારો અથવા કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટાયેલા પાંખના એક પ્રતિનિધિ તરીકે હેમાંગી બોગાવાળાએ પોતાની ફરજ નિભાવી છે અને તેનું પરિણામ પણ સામે આવ્યું છે.
BRTS પરિવહન ચેરમેનના આ ધરણાને કોંગી કોર્પોરેટરે એક નાટક ગણાવ્યું હતું. કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે, ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ ઉભરીને બહાર આવ્યો છે. ફક્ત 4 કલાક માટે AC ઓફિસમાં બેસીને પરિવહન અધ્યક્ષ દ્વારા એક નાટક ઉભુ કરવામાં આવ્યું હતું. જો લોકહિત માટે ધરણા પર બેસવું જ હોય, તો ચેરમેને જાહેરમાં BRTS રૂટ પર ધરણાં કરવા જોઈએ.