- કલામંદિર જ્વેલર્સ વિવાદમાં સપડાયું
- કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રી-ટ્વિટ કર્યું
- કલામંદિર વકીલનો સંપર્ક કરી કાયદેસર કાર્યવાહી કરશે
સુરત : દક્ષિણ ગુજરાતની જ્વેલર્સ કંપની પર ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી દ્વારા બ્લેક મનીને વાઈટ કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પીવીએસ શર્મા દ્વારા ટ્વીટ કરીને તપાસની માગણી પણ કરવામાં આવી છે. જો કે, ભાજપના નેતાના ટ્વીટને રી-ટ્વિટ કરી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે રાજકીય ગરમાટો લાવી દીધો છે. આ મામલો બીચકાતા સુરતના કલામંદિર જ્વેલર્સ કંપની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. કંપનીએ ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી તેમની પર કરવામાં આવેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ભાજપના અગ્રણી અને ઇન્કમટેક્સના પૂર્વ અધિકારી પીવીએસ શર્માએ આ મામલે PM મોદી અને નાણાં પ્રધાનને ટ્વીટ કર્યું છે અને આ મામલે ED અને CBI મારફત તપાસ કરવા માગ કરી છે. ઘોડદોડ રોડના જવેલર્સે 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી 33 ટકા ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવાની અરજી કરી હતી. તેને આશ્ચર્યજનક રીતે આ અપીલ અરજી સ્વીકારી લેવામાં આવતા મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ટ્વીટને અર્જુન મોઢવાડિયા દ્વારા રી-ટ્વિટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ દ્વારા નોટબંધી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સ વિભાગમાંથી કાગળો ચોરવાનો આરોપ
આ પ્રકરણમાં રાજકીય આવતા કલામંદિર જ્વેલર્સના માલિક મિલન શાહ દ્વારા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી આરોપ લગાવનારા પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને કોંગ્રેસના નેતા પર ઇન્કમટેક્સ વિભાગમાંથી કાગળો ચોરવાનો આરોપ લગાવ્યો છે.
કલામંદિર સૌથી વધુ ટેક્સ આપે છે
મિલને જણાવ્યું હતું કે, પીવીએસ શર્મા એ ગુપ્ત માહિતી ક્યાંથી લાવ્યા ચોરી કરી લાવ્યા છે, એ તપાસનો વિષય છે. પીવીએસ શર્મા ગેરમાર્ગે દોરી રહ્યા છે. કલામંદિર સૌથી વધુ ટેક્સ આપે છે. ટેક્સની ડિટેલ જોઈ શકાય છે. પીવીએસ શર્માની સંપત્તિ કરતા અમારી સંપત્તિ ઓછી છે. એમના ફર્નિચરની કિંમતમાં અમારા ફ્લેટ આવી જાય. તેમને કોંગ્રેસના નેતાઓ સાથે મળી ગુપ્ત દસ્તાવેજ ચોરી જ્વેલર્સને બદનામ કરે છે. વિવાદિત અધિકારી દ્વારા જે આંકડા આપ્યા છે. એ ખોટા આપવામાં આવ્યા છે. કલામંદિરમાં ટેક્સને લઈ કોઈ વિવાદ નથી.
આરોપ લગાવનારાઓ ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે
કલામંદિર પર આરોપ લગાવાયો છે કે, આટલો મોટો સ્ટોક ન હતો, તો તેના જવાબમાં તમામ વિગત રેકોર્ડ પર છે. નોટબંધીમાં સરકારના નિયમો વિરૂદ્ધ કોઈ ખોટું કામ કર્યું નથી. 400 લોકોનો સ્ટાફ 1300 કરોડનું ટર્નઓવર છે, તો ટ્રાન્જેકસન પણ મોટું હોય. પૂર્વ ઇનકમટેક્ષ અધિકારી પીવીએસ શર્માએ જાદુગર છે, તમે કહો છો કોઈનાથી ડરતો નથી. તોડબાજીનો જમાનો ગયો. જે ગુપ્ત કાગળ RTIથી પણ ન મળી શકે એ ગુપ્ત કાગળ ચોરી કરવામાં આવ્યા છે. આરોપ લગાવનારાઓ બચી શકશે નહીં. કલામંદિર વકીલનો સંપર્ક કરી કાયદેસર કાર્યવાહી કરશે. વિવાદિત ઇન્સપેક્ટરે કેમ વહેલું VRS લેવું પડ્યું હતું. કંઈપણ મન ફાવે તેમ બોલવું અને તોડ કરવો એ જૂની વાત છે. શર્મા 10 કરોડના ફ્લેટમાં રહે છે. મીડિયાની સામે ખોટી માહિતી આપવામાં આવી છે. જે આંકડો બતાવ્યો છે, તેના કરતા 14થી 15 ગણા વધુ ટેક્સ ભર્યું છે.