- મમતા બેનર્જીની પાર્ટી TMCની ગુજરાત પર છે નજર
- પ્રથમવાર ગુજરાતમાં મમતા બેનર્જીની તસવીરોવાળા બેનરો લાગ્યા
- પ.બંગાળીઓની ઈચ્છા છે કે TMC પણ ગુજરાતના રાજકારણમાં પ્રવેશે
સુરત : ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની તસવીરોવાળા બેનર લાગતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનર્જીની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં આવતા ગુજરાતમાં રહેતા બંગાળના લોકોમાં નવી આશા જાગી છે. સુરતમાં રોજગારી મેળવવા માટે પશ્ચિમ બંગાળથી આવેલા બંગાળીઓની ઈચ્છા છે કે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ TMC ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરે.
TMC ગુજરાતમાં ચૂંટણી લડે તો અમને ખૂબ જ ખુશી થશે
સુરતમાં મેટ્રો મેડિકલ ટ્રસ્ટ ચલાવનારા મૂળ બંગાળના રહેવાસી જમશેદ અલીએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ બંગાળમાં ગરીબ જનતા માટે ખૂબ જ સારું કામ કર્યું છે. સુરતની વાત કરવામાં આવે તો અહીં 2 લાખથી વધુ બંગાળના લોકો રહે છે. હું પોતે બંગાળી સમાજનો પ્રમુખ છું. જો મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડે તો અમને ખૂબ જ ખુશી થશે. દેશમાં ગરીબોની સચ્ચાઇ, ઇમાનદારી અને અધિકાર માટે તેઓ લડતા રહ્યા છે. અમે ઇચ્છિએ છે કે, મમતા બેનર્જી ગુજરાતમાં આવે અને ચૂંટણી લડે.
જો મમતા દીદી ગુજરાતમાં ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે
પશ્ચિમ બંગાળના નિવાસી હુસેનનું કહેવું છે કે, મમતા બેનર્જીએ ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ જ સરસ કામ કર્યું છે. ખાસ કરીને ગરીબો માટે તેઓએ અનેક વસ્તુઓ ફ્રીમાં આપી છે. તેઓ ત્રણ વખત જીતીને આવ્યા છે. લોકો તેમની પ્રશંસા કરે છે. દોઢ વર્ષથી રાશન મફતમાં મળે છે. તેઓએ લોકો માટે ખૂબ જ કામ કર્યું છે. પશ્ચિમ બંગાળના અન્ય એક નિવાસી શૈલેષ સોની જણાવે છે કે, જે રીતે પશ્ચિમ બંગાળમાં તેઓએ ચૂંટણી લડી છે. તેવી જ રીતે તેમને ગુજરાતમાં પણ ચૂંટણી લડવી જોઈએ. અમે મીડિયા થકી સાંભળ્યું છે કે, તેઓ ગુજરાતમાં વર્ષ 2022 સુધી ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી છે. જો તેઓ ચૂંટણી લડશે અને ગુજરાતને બંગાળની જેમ બનાવવા આવશે તો અમે તેમની સાથે છીએ.