- બારડોલી સ્મશાનમાં સુરતના મૃતદેહોને અંતિમ સંસ્કાર નહીં કરવાનો નિર્ણય
- સ્મશાનમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી જ થશે અંતિમ સંસ્કાર
- 2 દિવસ બંધ રહ્યા બાદ ફરી કાર્યરત થયું બારડોલીનું સ્મશાન ગૃહ
સુરત: જિલ્લાના બારડોલીનું અંતિમ ઉડાન મોક્ષધામ 2 દિવસ બંધ રહ્યા બાદ, બુધવારે ફરી શરૂ કરવામાં આવ્યું છે. જોકે, બારડોલી સ્મશાન ગૃહ સંચાલકોએ સુરતથી આવતા મૃતદેહો સ્વીકારવાની ના પાડી દીધી છે. ભઠ્ઠીમાં વારંવાર ખામી સર્જાતા ભઠ્ઠી બંધ થઈ જતી હોય છે. આથી, આ નિર્ણય લેવામાં આવ્યા હતો. બુધવારે, વહેલી સવારથી આ ગેસ ભઠ્ઠી કાર્યરત થતા કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પોરબંદરમાં વિદ્યુત સ્મશાન સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધી ખૂલ્લું રહેશે
સ્મશાન ગૃહ શરૂ થતાં જ 8 મૃતદેહોને અગ્નિદાહ અપાયો
છેલ્લા ઘણા દિવસોથી બારડોલી સ્મશાન ભૂમિમાં કોવિડ મૃતકોનો અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યો છે. સતત ભઠ્ઠી ચાલુ રહેતા ગેસ સંચાલિત ભઠ્ઠીમાં ખામી સર્જાઈ હતી. આથી, છેલ્લા 2 દિવસ માટે કોવિડગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર બંધ રાખવામાં આવ્યા હતા. આ ગેસ સંચાલિત ભઠ્ઠી બુધવારથી શરૂ થતાં પહેલા જ દિવસે 8 જેટલા કોવિડ મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. કર્મચારીઓના અભાવે સ્મશાન ગૃહ ટ્રસ્ટી મંડળ દ્વારા અંતિમક્રિયા માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બારડોલી અને પલસાણા તાલુકાના મૃતદેહોને અપાશે અગ્નિદાહ
જ્યારથી કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારથી, અત્યાર સુધીમાં બારડોલી અંતિમ ઉડાન મોક્ષ ધામની ભઠ્ઠીનું લોખંડ અનેક વખત પીગળી જતા હવે સ્મશાન સંચાલકો દ્વારા અંતિમ ક્રિયા માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બારડોલી સ્મશાન ગૃહમાં બારડોલી તેમજ પલસાણા તાલુકાના લોકો માટે જ અંતિમક્રિયા કરવાનું પણ નક્કી કરાયું છે.
આ પણ વાંચો: બારડોલીના દાનવીરો રોજના 600 મણ લાકડાં સ્મશાન ગૃહોમાં મોકલી રહ્યા છે
કેદારેશ્વર મંદિર નજીક પણ શરૂ કરાઈ 3 ભઠ્ઠી
સુરત શહેરના મૃતદેહોના અગ્નિસંસ્કાર બારડોલીના સ્મશાન ગૃહમાં નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, વધી રહેલા મૃતદેહોને કારણે બારડોલી નજીક આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ 3 લાકડાઓની ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે. જેથી, સ્મશાન ગૃહ પર ભારણ ઘટાડી શકાય.