- Bajarang Dal દ્વારા લોકોને નિ:શુલ્ક સ્પીકર આપવામાં આવે છે
- સુરતથી શરૂ થઈ રાષ્ટ્રવ્યાપી અભિયાન બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
- શસ્ત્ર અને શાસ્ત્રના મૂળ મંત્રનું અનુસરણ કરવા માટે બજરંગ દળ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું
સુરત : સુરતમાં 21 જેટલા વિસ્તાર એવા છે કે જ્યાં સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગે સ્પીકર પર દુર સુધી હનુમાન ચાલીસા ( Hanuman Chalisa ) સાંભળવા મળે છે. આવનાર દિવસોમાં આવા સ્થળોની સંખ્યા સૌથી વધુ થશે. શહેરના જે વિસ્તારમાં હિંદુ ધર્મના લોકોની સંખ્યા ઓછી છે ત્યાં Bajarang Dal દ્વારા તેમને સ્પીકર આપવામાં આવી રહ્યા છે. જેના થકી જે તે વિસ્તારમાં દિવસમાં બે-ત્રણ વખત હનુમાન ચાલીસાનો પાઠ થાય છે. સુરત બજરંગ દળના સંયોજક રાહુલ શર્માએ જણાવ્યું હતું કે લોકોમાં પોતાના ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકો પાસેથી દાનમાં આપવામાં આવેલી રકમથી અમે સ્પીકર ખરીદીએ છીએ અને આ સ્પીકર અમે લોકોને આપીએ છીએ. ખાસ કરીને જે તે વિસ્તારમાં કે જ્યાં હિન્દુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યાં લોકો હિંદુ ધર્મ પ્રત્યે જાગૃત થાય અને જે તે વિસ્તારમાં હિન્દુઓની સંખ્યા વધે તે હેતુથી અમે આ અભિયાન શરૂ કર્યું છે.
સ્પીકર થકી ધર્મનો પ્રચાર-પ્રસાર વધશે
તેઓએ જણાવ્યું હતું કે હાલ આ 21 સ્થળે અમે અભિયાન અંતર્ગત સ્પીકર આપ્યા છે અને આવનાર દિવસોમાં તેની સંખ્યા વધી જશે . લોકો પોતાની રીતે પણ સ્પીકર લગાવી રહ્યા છે. સ્પીકર લગાવવાના કારણે લોકોમાં ધાર્મિક ભાવના વધે છે. પહેલા લોકો તેનો વિરોધ કરી રહ્યાં હતાં. પરંતુ હવે અમે લોકોને કહી દીધું છે કે સ્પીકર તો વાગશે જ ભલે તમે પોતાનો કાન બંધ કરી દો. આ અભિયાનને અમે રાષ્ટ્રવ્યાપી બનાવવાનો વિચાર કરી રહ્યાં છે . આ સ્પીકર થકી ધર્મનો પ્રચાર-પ્રસાર વધશે.
21 જગ્યાએ સવાર અને સાંજે વાગે છે હનુમાન ચાલીસા
Bajarang Dal ના આ અભિયાનને લઈને સુરતના વરિષ્ઠ મુસ્લિમ સ્કોલર કદીર પીરજાદાએ જણાવ્યું હતું કે, લોકોને પોતાના ધર્મ પ્રત્યે માન હોવું જોઈએ અને પ્રચાર-પ્રસાર કરવું જોઈએ. એનાથી બીજાને કોઈ વાંધો હોવો જોઈએ નહીં. સુરત કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, કોઈપણ સંસ્થા જ્યાં સુધી લોકો સાથે બળજબરી કરીને આવું કૃત્ય ન કરે ત્યાં સુધી કોંગ્રેસ કશું કહેવા માગતી નથી. આમ આદમી પાર્ટીના રાજ્યના પ્રવકતા યોગેશ જાધવાણીએ જણાવ્યું હતું કે, બજરંગ દળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાન અંગે અમને જાણકારી નથી અને અત્યાર સુધી કોઈપણ પ્રતિક્રિયા લોકો પાસેથી સાંભળી પણ નથી.
સુરત ACP એ સ્પીકરને લઈને આપ્યું નિવેદન
સુરતના ACP પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ધાર્મિક સ્થળ પર સ્પીકર લગાવવાનું હોય તો તેની પરવાનગીની જરૂર હોતી નથી, પરંતુ લોકોને તકલીફ ન થાય તે માટે તકેદારી રાખવી જરૂરી છે. જો ધ્વનિ પ્રદૂષણ થાય અને કોઈ ફરિયાદ કરે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ તહેવારો પૂર્ણ થતાં ફરી સુરત જિલ્લામાં ફરી શરૂ થયું રસીકરણ
આ પણ વાંચોઃ સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો