- 60 વર્ષીય વૃદ્ધાની કોરોના સામેની લડતની કહાણી
- 75થી 80 ટકા ફેફસા સંક્રમિત થયા બાદ કોરોનાને માત આપી
- ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ પણ સાજા થયા
સુરત: કોરોનાના દર્દી શાંતુબેનનું ઓક્સિજન લેવલ 40 થઈ જતા ખાનગી હોસ્પિટલે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં નવી સિવિલ કોવિડ સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. દર્દીના ફેફસામાં 75થી 80 ટકા સંક્રમિત હોવાથી પરિજનોએ એક સમયે આશા છોડી દીધી હતી. કોવિડ સેન્ટરમાં 10 દિવસ સારવાર બાદ દર્દી સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી.
આ પણ વાંચો: આણંદના જયાબેનને અનેક બીમારીઓ હોવા છતાં કોરોનાને હરાવ્યો
15 કિલોગ્રામ ઓક્સિજન ચઢાવ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા
વરાછામાં કાપોદ્રા વિસ્તારમાં રવિ પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષીય શાંતુબેન ઝવેરભાઈ ગોહિલની તબિયત લથડતાં 30 માર્ચના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરે આઇસોલેશનમાં હતા. મ.ન.પા.ના કર્મચારીઓ ઘરે દરરોજ ઓક્સિજન લેવલ ચેક કરવા આવતા હતા. 5 એપ્રિલના સવારે ઓક્સિજન લેવલ ઘટીને 60 થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું. બાદમાં એક્સ-રે અને સીટી સ્કેન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. રિપોર્ટમાં 75થી 80 ટકા ફેફસા સંક્રમિત થયા હોવાનું નિદાન થયું હતું. એક સમયે ઓક્સિજન લેવલ 40થી પણ નીચે આવી જતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા. ડોક્ટરની સલાહ મુજબ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા માટે શહેરની પ્રતિષ્ઠિત હોસ્પિટલોનો સંપર્ક કરવા છતાં બેડ ખાલી મળ્યા ન હતા. અંતે અમરોલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. હોસ્પિટલમાં 15 કિલોગ્રામ ઓક્સિજન ચઢાવ્યા બાદ લેવલ 60થી 70 થતાં વેન્ટિલેટરની જરૂર હોવાનું જણાવીને નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા.
આ પણ વાંચો: મહીસાગરમાં 67 વર્ષના સિનિયર સિટીઝને કોરોનાને હરાવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
હોસ્પિટલમાં નિયમિત દવા અને ઓક્સિજન આપવામાં આવ્યા
નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં રાત્રે 10 વાગે OPDમાં ઓક્સિજન લેવલ 60 આવ્યું હતું. જેના કારણે તેમને વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. 7માં માળે વોર્ડમાં એક પણ બેડ ખાલી ન હતો. જેથી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા બાદ નવો એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાતોરાત સ્ટાફની નિમણૂક કરીને શાંતુબેનને એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં નિયમિત દવા અને ઓક્સિજન આપવામાં આવ્યા હતા. નવી સિવિલની સારવારથી તેમની રિકવરી શરૂ થવા લાગી હતી અને ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા અને આખરે સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.