- સુરતમાં કોરોનાના કેસમાં વધારો
- લોકડાઉનના ભયને કારણે શ્રમિકો વતન પરત ફરી રહ્યા છે
- રેલવે સ્ટેશન ખાતે રોજ હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે પહોંચી રહ્યા છે
સુરતઃ છેલ્લાં 24 કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં 2400થી પણ વધુ કરોના પોઝિટિવ કેસ નોંધાતા સૌથી વધુ ભય શ્રમિકોમાં જોવા મળી રહ્યો છે. લોકડાઉનનો તેમને ડર સતાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફ આવતા રત્ન કલાકારો બસ દ્વારા જ્યારે યુપી, બિહાર તરફ જતાં શ્રમિકો પોતાના પરિવાર સાથે ટ્રેન મારફતે વતન તરફ જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન ખાતે રોજ હજારોની સંખ્યામાં શ્રમિકો વતન જવા માટે પહોંચી રહ્યા છે, તમામ શ્રમિકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. નાઈટ કરફ્યૂ પૂર્ણ થતા જ લોકો રેલવે સ્ટેશન પહોંચી જતા હોય છે, પરિવાર સાથે તેઓ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બેસવા માટે કલાકો પહેલા આવી જાય છે.
ગયા વખતે વતન જવા માટે ખૂબ જ મુશ્કેલી થઈ હતીઃ શ્રમિક
સુરતથી પોતાના વતન ટ્રેન મારફતે જઈ રહેલા ઋષિકેશે જણાવ્યું હતું કે, હું ચાની લારી ચલાવું છું ગયા વખતે જે રીતે અચાનક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું તેના કારણે વતન જવા માટે ખુબ મુશ્કેલી પડી હતી. જેથી આ વખતે અમે અગાઉથી જ વતન જવા માટે નીકળી રહ્યા છે. ગયા વખતે બસમાં જવાના કારણે ખૂબ જ હેરાનગતિ થઈ હતી. ત્યારે જો હવે ફરી લોકડાઉન લગાવશે તો તેવી જ રીતે તકલીફ થઈ શકે છે.
આ પણ વાંચોઃ લોકડાઉનના ભય અને કોરોના ટેસ્ટિંગની હેરાનગતિને કારણે ઝારખંડના શ્રમિકો વતન પરત ફર્યા
પંદર દિવસથી ઘરે જ છુંઃ શ્રમિક
શ્રમિક ટીંકુ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ગયા વખતે લોકડાઉન સમયે વતન ગયો ત્યારે 6 મહિના બાદ ફરી સુરત આવ્યો હતો. જોકે, હાલ પરિસ્થિતિ સારી નથી આ જ કારણ છે કે, અમે વતન જવા નીકળ્યાં છીએ. ગયા વખતે ઘરે ત્રણ મહિના સુધી રહ્યા પરંતુ પરિસ્થિતિ સુધરવાની નહોતી જેથી તે વખતે અમે વતન ચાલ્યા ગયા હતા. હવે કેસ સતત વધી રહ્યા છે જેથી ડર લાગી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી ઘરે જ છું જ્યાં પણ જાઉં ત્યાં પાલિકા દ્વારા સીલ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,155 પોઝિટિવ કેસ નોંધાયા
શ્રમિકો પરિવાર સાથે થઈ રહ્યા છે પલાયન
સુરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે જે કોરોના સંક્રમણ છે તે ફેઝ વન કરતા પણ વધારે છે. જોવા જઈએ તો અગાઉ સુરતની ડાયમંડ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી સારી રીતે ચાલી રહી હતી. જે શ્રમિકો ગયા હતા તે પરત આવી ગયા હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ વધ્યા છે તેના કારણે લોકોમાં ગભરાટ છે. લોકોને લાગી રહ્યું છે કે ફરીથી લોકડાઉન લાગી જશે. 10થી 15 હજાર લોકો પોતાના પરિવાર સાથે પલાયન કરી રહ્યા છે. અમે આ પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. શ્રમિકો પરિવારના સભ્યોને લોકડાઉન લાગે તો કોઈ મુશ્કેલી ના આવે તે માટે વતન લઈ જઈ રહ્યા છે.