- મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિ આગળના કાચને તોડવામાં આવ્યો
- આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા હોબાળો મચ્યો
- બાળકોને સંસ્કાર મળે તેવી પ્રવૃત્તિ પણ કરવા દે. ભક્તોની માંગ
સુરત : પુણા વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે શનિવારે હોબાળો મચ્યો હતો. મંદિરમાં હરિ ભક્તોને પ્રવેશ અને ભજન કીર્તન ન કરવા દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિની આગળના કાચ પણ તોડી નાખવાંમાં આવ્યા હતા. આ હોબાળાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કેટલાક લોકોની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને હજી પાઠ્યપુસ્તક મળ્યા નથી
મંદિરમાં રામધૂન કરી વિરોધ
મંદિરના ભક્તોએ જણાવ્યું હતું કે, મંદિર ભક્તોએ ફાળો આપીને બનાવ્યું છે. અહીં અજેન્દ્ર પ્રસાદના કેટલાક સંતો રાકેશ પ્રસાદ તરફ વળ્યાં છે, મંદિરની જે સંપત્તિ છે તે હરિભક્તોના નામે છે, અહીં દર્શને જતા ભક્તોને રોકવામાં આવે છે. આ વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલતો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવને પગલે હરિભક્તો મંદિર પરિસરમાં જ બેસી ગયા હતા અને રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં હરીભક્તો મંદિરે આવી પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મંદિર પર કબજો મેળવવાની હોડ શરૂ થઈ છે જેને લઈને ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે.
આ પણ વાંચો: NRI યુવતીઓ સાથે મિત્રતા કરાવવી રોજના 20થી 30 હજાર રૂપિયા કમાવાની ખોટી જાહેરાત આપનાર ઝડપાયા
જેમણે ડોનેશન કર્યું છે તેઓને શાંતિથી અહીં ભજન કરવા દ્યો
હરિભક્ત દિનેશભાઈએ કહ્યું કે, મંદિર જ્યારે બન્યું ત્યારે નાનામાં નાના અનેક મહિલા અને પુરુષ હરિભક્તોએ દાન આપ્યું છે. મેં પોતે ડોનેશન આપ્યું હતું. પોતાના વારસદારોને સારા સંસ્કાર મળે એ હેતુથી આ મંદિરમાં દાન આપ્યું હતું. ટ્રસ્ટીઓ આ મંદિરને બીજે લઈ જવા અને હરિભક્તોને મંદિરમાં દાખલ ન થવા દેવા માટે રોજ કાવાદાવા કરે છે. ગઈકાલે શુક્રવારે સાંજે ભગવાનની આગળ લાગેલા કાચને તોડાવી દેવાયા હતા. જે હરિભક્તો ભજન કરતા હતા તેમને પોલીસ બોલાવીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. અમારી માંગ છે કે જેમણે ડોનેશન કર્યું છે તેઓને શાંતિથી અહીં ભજન કરવા દે તેમજ તેમના બાળકોને સંસ્કાર મળે તેવી પ્રવૃત્તિ પણ કરવા દે. આ સાથે જ રાકેશ પ્રસાદ મહારાજ પક્ષવાળા લોકોએ મંદિર પર કબજો કર્યો છે તેને છૂટું કરવામાં આવે. આવી માંગ કરવામાં આવી હતી.