સુરત: દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે રવિવારનો દિવસ ખૂબ મહત્વનો હતો. ખેડૂત સભાસદોની ભારે ઉત્સુકતા વચ્ચે સોમવારે સુગર સંચાલકો દ્વારા ગત સીઝનમાં આવેલા શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ગણદેવી સુગરે શેરડીના ટન દીઠ રૂપિયા 3,311 ભાવ જાહેર કર્યા છે, જયારે બારડોલી સુગરે 3,152, સાયણ સુગરે 3,081, ચલથાણ સુગરે 3,056, મહુવા સુગરે 2,985, મઢી સુગરે 2,961, પંડવાઈ સુગરે 2,901 અને કામરેજ સુગરે 2,776 રૂપિયા જાહેર કર્યા છે.
દર વર્ષે 2,000થી 2,500ની આસપાસ જાહેર થતા ભાવમાં આ વખતે 500થી 700 રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં આનંદો છવાઈ ગયો છે. જેથી ખેડૂત-સભાસદોએ સુગર સંચાલકોના કરકસરયુક્ત વહીવટને પણ બિરદાવ્યો હતો.
દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડી આધારિત છે. અહીંની સુગર ફેક્ટરીઓ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે ઉકાઈ ડેમમાં પાણી હોવાથી ખેડૂતોએ શેરડીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. શેરડી પકવતા ખેડૂતો પોતાની શેરડી સુગર ફેક્ટરીઓમાં આપતા હોય છે. જેના ભાવ સુગર સંચાલકો દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે.
શેરડીના પિલાણની પ્રક્રિયા બાદ સોમવારે શેરડીના ટન દીઠ આખરના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ગત વર્ષે સાયણ સુગરે 2,676 રૂપિયા ભાવ જાહેર કર્યો હતો. જેમાં 405 રૂપિયા વધારીને આ વખતે 3,081 રૂપિયા ભાવ નક્કી કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સંઘ ગત ઘણા સમયથી પડતર ખાંડ અને બળેલી શેરડી જેવા અનેક પ્રશ્નોને લઇ ઝઝૂમી રહ્યો છે, પરંતુ જે રીતે સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે, એનાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
કોવિડ-19ને લઇને કપરી સ્થિતિમાં મુકાયેલા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દયનિય સ્થિતિમાં મૂકાયા હતા. જો કે, શેરડીના પોષણક્ષમ ભાવને કારણે હવે ખેડૂતોની શેરડીના પાક પ્રત્યે રુચિ વધશે. જેનાથી ખેડૂતોની સાથે સુગર મિલોને સદ્ધરતા પ્રાપ્ત થશે એ વાત નક્કી છે.