9 સેપ્ટમ્બર 2016ના રોજ મનિષા બેન અસ્થિર હાલતમાં મળી આવ્યા હતા. જેને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. એ સમયે તેમની યાદદાસ્ત શક્તિ ખૂબ જ કમજોર હતી, તેમના મગજની અસ્થિરતા માટે તેમના લવમેરેજ જવાબદાર છે. મનિષાબેન લગ્નના બે દિવસ પહેલા જ તેમના પ્રેમી સાથે ભાગી ગયા હતા. પ્રેમી ખ્રિસ્તી ધર્મનો હોવાથી પરીવારે તેમને સ્વીકારવાનીના પાડી હતી. સમય જતા તેમને બે દીકરા અને એક દીકરીનો જન્મ થયો પરંતુ તેના થોડા જ સમયમાં તેમના પતિનું અવસાન થયું. ત્રણેય બાળકો નાના હતા અને આ આઘાત તેઓ સહન કરી શક્યા નહીં. પરિણામે પરિસ્થિતિ એવી આવી કે તેઓ મગજથી અસ્થિર બન્યા.
માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જ્યારે તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા તે સમયે તેમને ખબર ન હતી કે તેમના બાળકો ક્યાં છે. એટલે કે તેઓ તેમના બાળકોને ભૂલી ચુક્યા હતા. આશ્રમમાં 3 વર્ષ તેમની સારવાર માનસિક રોગના ડો. મેહુલ લુવા દ્વારા કરવામાં આવી અને ખાસ કરીને તેમની પાન-મસાલા અને ગુટખા ખાવાની આદતને છોડાવવામાં આવી કારણકે, તેના કારણે જ તેમના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ ગયું હતું. તેના બાળકોની શોધ બાદ તેઓ કતારગામ અનાથાશ્રમમાંથી મળી આવ્યા હતા. 8 એપ્રિલ 2019ના રોજ તેમને આશ્રમમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે આ મહિલા અંજની ઈન્ડસ્ટ્રીમાં નોકરી પર લાગીને પગભર થયા છે. સાફ સફાઈનું કામ કરીને તેઓ મહિને .8 થી 9 હજાર કમાઈને જીવન નિર્વાહ કરી રહ્યા છે.
માનવ સેવા ટ્રસ્ટના જેરામ ભગત કહે છે, શરુવાતમાં મનિષાબેનને સમજાવવા ખૂબ જ અઘરું કામ હતું પરંતુ ધીરે ધીરે તેમની માનસિક હાલત સારી થતી ગઈ. તેમના ત્રણેય બાળકો હાલ વાત્સલ્યધામમાં ભણી રહ્યા છે અને તેમને પગભર જોઈને અમે અમારા કામમાં સફળ રહ્યા હોય એમ લાગી રહ્યું છે.