- કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે
- જૂન-જુલાઈ માસમાં જેવો કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થિતિ ફરીવાર ઉદભવી
- શાળાઓ શરૂ થયા બાદ 85 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ નોંધાયા
સુરત: કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં જૂન-જુલાઈ માસમાં જેવો કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થિતિ ફરીવાર ઉદભવી છે. શાળાઓ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 85 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેથી વાલીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 200થી પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરીયા વધ્યા
કોરોના કેસોમાં ઉછાળો આવતા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
કોરોના કેસોમાં ઉછાળો આવતા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરીને શાળાઓ બંધ કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી. વાલીમંડળના ઉમેશ પંચાલે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ કરવામાં આવી છે. અહીં નાના બાળકોને કોરોના સંક્રમણ થવાની શક્યતા વધુ છે અને જો બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો તો તેના આરોગ્ય પર ગંભીર અસર પડશે. મોટાભાગના વાલીઓની મિટિંગ કરીને જ્યાં સુધી કોરોનાના કેસો ઘટે નહીં ત્યાં સુધી શાળાઓ બંધ કરાવવા માટે માંગણી કરવામાં આવી હતી. આ બાબતે રાજ્ય સરકારને પણ જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં કોરોના સંક્રમણ વધતા દર શનિ-રવિ મોલ અને સિનેમા બંધ
એક મોત સાથે મૃત્યુઆંક 851 પર
ગઈકાલે શુક્રવારે શહેરમાં નવા 183 પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે કુલ આંક 42,071 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક 851 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 102 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 40,382 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ ઘટીને 95.99 ટકા પર પહોંચ્યો છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં 40 ટકા કેસ જ શહેર બહારથી આવનારાઓના મળી રહ્યા છે. જેથી શહેરીજનો મોટા મેળાવડામાં જવાનું ટાળે.