- સુરતમાં યુવતીનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી
- પાણી વેચનારી મહિલા સાથે થઈ બોલાચાલી
- પોલીસ સ્ટેશન બહાર હંગામો મચાવ્યો
સુરત: ઉમરા પોલીસ મથકને એક યુવતીએ માથે લીધું હતું. અટકાયત બાદ જ્યારે 19 વર્ષીય યુવતીને પોલીસ લઈ આવી હતી, ત્યારે તેણે પોલીસ સ્ટેશન બહાર હંગામો મચાવતા યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
181માં કોલ કરતા ઉમરા પોલીસ સ્થળ પર પહોંચી
આ 19 વર્ષીય યુવતી અને તેના મિત્ર સાથે વોક- વે પર ફરવા ગઈ હતી અને વીડિયો ઉતારી રહી હતી. જ્યાં તેણીને પાણી વેચનારી મહિલાએ વીડિયો ઉતારવાની ના પાડી હતી. 19 વર્ષીય યુવતી અને તેના મિત્ર અબ્દુલ અને પાણી વેચનારી મહિલા રશ્મિ વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બબાલ વધતા પાણી વેચનારી રશ્મિએ 181માં કોલ કરતા ઉમરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષકારને ઉમરા પોલીસ મથક લઈ જવાયા હતા.
યુવતીએ હંગામો મચાવતા ભીડ એકઠી થઈ ગઈ
પાણી વેચનારી મહિલાની ફરિયાદના આધારે યુવતીના મિત્ર અબ્દુલ મજીદ નઝીરની સામે અટકાયત પગલાં ભરવામાં આવ્યા હતા અને અટકાયતી પગલાં ભરતા જ યુવતીએ હંગામો મચાવ્યો હતો અને ભીડ એકઠી થઈ ગઈ હતી. યુવતીને મહીલા પોલીસ દ્વારા વારંવાર આવુ ન કરવાનું સમજાવવા છતાં પણ યુવતી એકની બે ન થઇ હતી અને ઉમરા પોલીસ મથકની બહાર જ સુઈ જઈને નાટક કરવા લાગી હતી. છેવટે યુવતી ન માનતા પોલીસે સખ્તાઈ કરવી પડી હતી. પોલીસે હંગામો મચાવનારી યુવતી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરી હતી.