- મહિલાએ પહેલા એક બાળકની હત્યા કરી
- પોતે પણ છઠ્ઠા માળેથી કૂદી આત્મહત્યા કરી
- મૃતક મહિલાને 6 માસનો ગર્ભ હતો
સુરત: શહેરમાં કળિયુગની કઠણાઈ દર્શાવતો કિસ્સો આજે બુધવારે જોવા મળ્યો હતો. જ્યાં બે સંતાનની માતાએ એક બાળકની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કડોદરામાં શ્રીનિવાસ ગ્રીનસીટી સોસાયટી આવેલી છે. જ્યાં રૂમ નંબર 204 માં આ કાળજું કંપાવનારી ઘટના બની હતી. રૂમમાં રહેતી વનિતા મહેશ પાંડે બે બાળકોની માતા હતી. તે પોતાના બાળકો સાથે એકલી રૂમમાં સૂતી હતી. જ્યારે તેનો પતિ મહેશ અને સસરો અલગ રૂમમાં સુતા હતા. બુધવારે સવારે જ્યારે તેનો પતિ રૂમમાં ગયો તો રૂમમાંથી તેનું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. બાદમાં પરિવારજનો તપાસ કરતા બાળકની માતાનો મૃતદેહ બિલ્ડીંગની નીચેથી મળી આવ્યો હતો. તેણીએ છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી હોવાનું ખબર પડતાં ચકચાર મચી હતી.
![કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12811568_b.jpg)
આ પણ વાંચો: suicide news: વલસાડ મરીન પોલીસ મથકમાં આરોપીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
આત્મહત્યા કરતા પહેલા નણંદને ફોન કરી જાણ કરી
બે સંતાનની માતા એવી વનિતા મહેશ પાંડે પરિવાર સાથે અહીં રહેતી હતી. અગમ્ય કારણસર પગલું ભર્યું હતું. પગલું ભરતા પહેલા તેણે નણંદને પણ ફોન કર્યો હતો અને પોતે જ 2 વર્ષ ના બાળક ક્રિષ્નાનું મોત નિપજાવ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક વનિતા પાંડેને અન્ય એક 4 વર્ષનો બાળક પણ છે. જે દાદા સાથે સૂતો હોવાથી બચી ગયો હતો.
![કડોદરામાં મહિલાએ પોતાના બાળકની હત્યા કરી છઠ્ઠા માળેથી લગાવી છલાંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12811568_n.jpg)
આ પણ વાંચો: સુરતમાં પતિ અને પુત્રની નોકરી છૂટી જતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું
મૃતક મહિલાને 6 માસનો ગર્ભ હતો
વનિતાને 6 માસનો ગર્ભ પણ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આત્મહત્યા કરી લેતા ગર્ભમાં રહેલા 6 માસના ભ્રુણનું પણ મોત થયું હતું. સમગ્ર મામલે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાળક સાથે માતાએ હત્યા તેમજ આત્મહત્યાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. હજી સુધી આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.