- એવું સેન્સર કે જેનાથી હવે એક્સ-રે જરૂર નહી પડે
- ઘૂંટણ ઇફ્યુઝન માટે એન્ટીના સેન્સર ડિઝાઇન કરાયું
- ડેનિમ કે જીન્સ જેવા મટીરીયલ ઉપર પણ સેન્સર કામ કરશે
સુરત : ટેકનોલોજીમાં દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે, ત્યારે સુરતમાં એક એવું સેન્સર બનાવવામાં આવ્યું છે કે જે, ઘૂંટણમાં પાણી ભરાયું હોય અથવા તો લોહી અને પરુ જામી ગયા હોય તો આવનાર દિવસોમાં વ્યક્તિ ઘરે બેસીને બ્લડ પ્રેશરના મશીનની જેમ જ ઘૂંટણના રોગ અંગે જાણકારી મેળવી શકાશે. લોકોને આ સુવિધા માટે સુરત ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Sardar Vallabhbhai Patel National Institute of Technology )ના ઇલેક્ટ્રોનિક્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર અને તેમના PHDના વિદ્યાર્થીઓએ ખાસ સેન્સર બનાવ્યું છે. પેટર્ન થયેલા સેન્સરના કારણે હવે આવનાર દિવસોમાં લોકોને એક્સ-રે કઢાવવાની જરૂર પડશે નહીં અને ઘરે બેસીને જ ઘૂંટણની સમસ્યા અંગેની જાણકારી મેળવી શકશે.
એક્સ-રેના રેડિયેશન ખૂબ જ ઘાતક
ઘૂંટણની સમસ્યામાં મોટાભાગના લોકો પીડાતા હોય છે. એક્સ-રેમાં નિદાન કર્યા બાદ સારવાર કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત, એક્સ-રે (X-Ray )ના રેડિયેશન ખૂબ જ ઘાતક સાબિત થતા હોય છે, ત્યારે લોકો ઘરે બેઠા ઘૂંટણની સમસ્યા વિશે જાણી શકે અને ઘાતક રેડિયેશનથી પણ બચી શકે તે માટે SVNIT ના ઇલેક્ટ્રોનિક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિયુષ પટેલ અને PHDના વિદ્યાર્થી અર્પણ શાહ તેમજ હિરેન ધુડા દ્વારા એક ખાસ સેન્સર તૈયાર કરવામાં આવ્યું છે.
ઘૂંટણ ઇફ્યુઝન માટે એન્ટીના સેન્સર ડિઝાઇન કર્યું
આ સેન્સર અંગે ડોક્ટર પિયુષ પટેલે જણાવ્યું હતું કે, હાલ જ અમને અમારા આ સેન્સર માટે પેટર્ન મળ્યું છે. આ એક ડિઝાઇન પેટર્ન છે. ઘૂંટણ ઇફ્યુઝન માટે એન્ટીના સેન્સર ડિઝાઇન કર્યું છે. ડોક્ટર દર્દીનો ઘૂંટણ જોઈને એક્સ-રે કરાવવા કહે છે અને એક્સ-રેના ફોટા પરથી ડોક્ટર નિદાન કરે છે, પરંતુ આ સેન્સર પોતાનામાં એક નોવેલ્ટી છે. આ સેન્સરને ડેનિમ અથવા જીન્સ જેવા મટીરીયલ ઉપર કન્ડેક્ટિવ ટ્રેડ્સ લગાવીને એન્ટીના સેન્સર બનાવીશું.
એમ્બ્રોઇડરી મશીન ઉપર પ્રિન્ટ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સેન્સરને અમે ઘૂંટણ ઉપર લગાવીશું, ત્યારબાદ ઘૂંટણની અંદર જો પાણી, લોહી અથવા પસ હશે તો તેના પ્રમાણે સેન્સરમાં મુકવામાં આવેલા ફિલ્ટરથી ખબર પડશે કે ઘૂંટણમાં કેટલું પાણી છે. અત્યારે આ ડિઝાઇન મોડ પર છે અને અમે સિમ્યુલેટર પર કાર્ય કરી રહ્યા છીએ. અમારા સિમ્યુલેટરમાં બોડી ફેન્ટમ કે જેણે ઘૂંટણ કહેવાય છે, તેના પર પ્રયોગ કર્યો છે, આ સાથે સારા પરિણામ પણ મળ્યા છે. આમારી પાસે કમ્પ્યુટરાઈઝડ એમ્બ્રોઇડરી મશીન છે. અમે જે સેન્સર ડિઝાઈન કર્યું છે તેને એમ્બ્રોઇડરી મશીન ઉપર પ્રિન્ટ કરીશું. આ માટે ટ્રેનિંગ બોર્ડની પણ ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે SVNITના બાયો ટેકનોલોજી વિભાગ દ્વારા 18 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.
ટેકનોલોજીમાં હાનિકારક રેડિયેશન નથી
ડોક્ટર પિયુષે વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે બ્લડ પ્રેશરના મશીનમાં એક બેલ્ટ આવે છે, તેવી જ રીતે આમાં પણ એક બેલ્ટ હશે. એક્સ-રે માટે દર્દીઓને હોસ્પિટલ અથવા તો લેબમાં જવું પડતું હોય છે, ત્યાં સમય લાગે છે, ત્યારબાદ જ એક્સ-રે ફોટો ડોક્ટર પાસે આવે છે, પરંતુ આ મશીન પોર્ટેબલ બનશે અને માત્ર 10 મિનિટમાં આ ઈમેજીન કરીને જણાવશે કે, ઘૂંટણમાં કેટલું પાણી છે. આ ઉપરાંત, આ સેન્સરમાં રેડિયેશન હોતા નથી, આથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું નથી.