- ઇકોનોમિક્સમાં Ph.D. કરનારા ક્યુઆમુદ્દીન બાઘલન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા
- બેરોજગાર થતાં પરિવારના ગુજરાન અને ભણવાની ફી કાઢવા માટેની તકલીફો
- ભારત સરકાર પાસેથી આર્થિક તકલિફ દૂર કરવાની માંગણી
સુરત: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર (Taliban government) બનતાની સાથે ત્યાંના નાગરિકોની ચિંતા વધી ગઈ છે. સુરતના VNSGU ખાતે ઇકોનોમિક્સમાં Ph.D. કરનારા ક્યુઆમુદ્દીન બાઘલન યુનિવર્સિટી (Baghlan University) માં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. સરકારી નોકરી હતી પરંતુ ત્યાં સરકાર બદલાતા તાલિબાની સત્તામાં આવતા તેમની સરકારી નોકરી હાલ ચાલી ગઈ છે. સ્કોલરશીપ પર ભણવા આવેલા ક્યુઆમુદ્દીન બેરોજગાર થતાં પરિવારના ગુજરાન અને ભણવાની ફી કાઢવા માટેની તકલીફો થઇ રહી છે. તેઓએ ભારત સરકાર પાસેથી આર્થિક તકલીફ દૂર કરવાની માંગણી કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત, વિઝાની મુદ્દતમાં વધારો કરવા માગ
સરકારી નોકરી જવાના કારણે ક્યુઆમુદ્દીન આર્થિક સંકડામણમાં
ક્યુઆમુદ્દીન અફઘાનિસ્તાનના બાઘલન યુનિવર્સિટી (Baghlan University) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સરકારી નોકરી પર હતા. પાંચ મહિના પહેલા જ તેઓ સ્કોલરશીપ પર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં ઇકોનોમિક્સમાં Ph.D. કરવા આવ્યા હતા. Ph.D. પૂરું કર્યા બાદ તેઓ ફરીથી અફઘાનિસ્તાન જઈ સારા પદ પર નોકરી કરવા માગતા હતા પરંતુ અચાનક અફઘાનિસ્તાનની સ્થિતિ વણસતા અને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કરી લેવાતા સરકાર હવે બદલાઈ ગઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનતા પાંચ મહિના પહેલા સુરત આવેલા ક્યુઆમુદ્દીને સરકારી નોકરી ગુમાવી દીધી છે. પરંતુ તે ભાગ્યશાળી હતા કે અફઘાનિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થાય તે પહેલા જ એટલે કે બાર દિવસ અગાઉ જ તેઓ પત્ની અને પાંચ દીકરાઓ સાથે સુરત આવી ગયા હતા પરંતુ સરકારી નોકરી જવાના કારણે તે આર્થિક સંકડામણમાં આવી ગયા છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ અને બ્રિટનના વડાપ્રધાને વાતચીત કરી
તાલિબાનીઓ છે ત્યાં સુધી અમે અફઘાનિસ્તાન જઈશું નહીં
ક્યુઆમુદ્દીને જણાવ્યું હતું કે, તાલિબાન સરકાર બનવાથી તેની સરકારી નોકરી ચાલી ગઈ છે. તે યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. સ્કોલરશીપ પર તે ભારત આવ્યા છે પરંતુ હાલ નોકરી જવાના કારણે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. તે પોતાને ભાગ્યશાળી માને છે કે, તેનો પરિવાર 12 દિવસ પહેલા જ ભારત આવી ગયો હતો. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ બાળકોનું એડમિશન શાળામાં થઈ ગયું છે પરંતુ આર્થિક રીતે હવે તે કમજોર થતા ફી મુદ્દે મોટી સમસ્યા છે. તેને ભારત સરકાર પાસે વિનંતી કરી છે કે તેમને નોકરી આપવામાં આવે. જેથી તે પરિવારનુ ગુજરાન ચલાવી શકે. એટલું જ નહીં તેમણે સાફ કહી દીધું છે કે જ્યાં સુધી તાલિબાની સત્તા ત્યાં રહેશે તે ત્યાં જશે જ નહીં.