- ગત 13મીના રોજ કામરેજના ઘલા ગામથી સળગેલી હાલતમાં કાર મળી હતી
- કારમાં એક શખ્સનો સંપૂર્ણ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
- પોલીસ તપાસમાં કાર માલિકની સંડોવણી બહાર આવી
સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાંથી 13મી એપ્રિલના રોજ એક હ્યુન્ડાઇ ક્રેટા કાર સાથે સંપૂર્ણ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કારમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલો અજાણ્યો શખ્સ પણ સંપૂર્ણ બળી જતા તેની ઓળખ મુશ્કેલ બની હતી. આ દરમિયાન, પોલીસ તપાસમાં કાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આમ્રકુંજ સોસાયટીમાં રહેતા વિશાલ લક્ષ્મણ ગજેરાની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વિશાલના ઘરે તપાસ કરતા વિશાલ હીરાની લે-વેચનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું હતું. વિશાલ 4 દિવસ અગાઉ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હોવાનું તેના ભાઈ ધવલ ગજેરાએ જણાવ્યું હતું. આથી, પોલીસે કાર માલિકના ભાઈની ફરિયાદના આધારે અકસ્માત અને મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: સુરતના હીરા દલાલની કાર કામરેજના ઘલા નજીકથી સળગેલી હાલતમાં મળી, એકનું મોત
પોલીસે બાતમીના આધારે કાર માલિક વિશાલને ઝડપી લીધો
આ દરમિયાન, શનિવારના રોજ SOGના હેડ કોન્સ્ટેબલ રોહિત બાબુ અને જગદીશ કામરાજને મળેલી બાતમીના આધારે વેલંજા ગામે રંગોલી ચોકડી પાસેથી વિશાલ લક્ષ્મણ ગજેરાને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે હીરાનો ધંધો કરતો હતો અને છેલ્લા 2 વર્ષથી શેરબજારમાં રોકાણ કરતો હતો. 1 વર્ષ અગાઉ વાલક પાટિયા પાસે મકાન લેવા બેન્કમાંથી 37 લાખની લૉન લીધી હતી. આથી, મકાનમાં બીજો માળ બનાવવા માટે થોડા ખર્ચ કરીને લોનના નાણાંમાંથી બચેલી રકમ શેર બજારમાં રોકતા ખોટ ગઈ હતી. ત્યારબાદ, વિશાલે ક્રેટા કાર પર પણ 4.50 લાખ રૂપિયાની લૉન લીધી હતી. આ લોનની ભરપાઈ ન થતા દેવું થઈ ગયું હતું.
અંકલેશ્વરથી અજાણ્યા ઇસમને કારમાં બેસાડ્યો અને સળગાવી દીધો
વિશાલે તે દરમિયાન, ઘરેથી નીકળ્યા બાદ તેણે અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર અને સુરત શહેરમાં પણ અનેક વખત આંટા માર્યા હતા. રાત્રિના સમયે તે હોટેલ નજીક હાઇવે પર કાર પાર્ક કરી સુઈ જતો હતો.
ત્યારબાદ, ઘટનાની રાત્રે વિશાલે અંકલેશ્વર GIDC બસ સ્ટેન્ડ નજીકથી દારૂના નશામાં ધૂત અને બેભાન જેવી હાલતમાં પડેલા 1 અજાણ્યા શખ્સને કારમાં બેસાડી દીધો હતો અને કાર ઘલા ગામની સીમમાં સુમસામ જગ્યા પર લાવી અજાણ્યા શખ્સને આગળની સીટ પર બેસાડી હાથપગ બાંધી ગાડી ખેતર નજીક ઉતારી દીધી હતી. ત્યારબાદ, પેટ્રોલ છાંટી કાર સાથે અજાણ્યા યુવકને પણ સળગાવી દીધો હતો. વિશાલની કબૂલાત બાદ પોલીસે અજાણ્યા શખ્સનું અપહરણ અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં 3 વર્ષીય બાળકી અપહરણના 12 કલાક બાદ હેમખેમ મળી આવી
9મી એપ્રિલે આત્મહત્યા કરવા સાપુતારા તરફ ગયો હતો
દેવું વધી જતાં સતત તણાવમાં રહેતો વિશાલ ઘરેથી ગુમ થયા પહેલા 9મી એપ્રિલના રોજ આત્મહત્યા કરવા માટે સાપુતારા ગયો હતો. પરંતુ, આત્મહત્યા કરવાનો જીવ ન ચાલતા તે સાંજે પાછો ઘરે આવી ગયો હતો. ત્યારબાદ, તે બીજા દિવસે ઘરેથી ફાર્મ હાઉસ પર જાઉં છું એમ કહીને નીકળ્યા બાદ પાછો ફર્યો ન હતો.
જીવન વીમો પકવવા માટે રચ્યો કારસો
પકડાયેલા કાર માલિક વિશાલ ગજેરાને દેવું થઈ ગયું હોવાથી ટેન્શનમાં હતો. તેનો પોતાનો 60 લાખ રૂપિયાનો જીવન વીમો, LICમાં 2 લાખનો વીમો અને બેન્ક લૉન ઉપર પણ પોતાનો જીવન વીમો હતો. આથી તેણે અજાણ્યા શખ્સનું અપહરણ કરી તેને કાર સાથે સળગાવી દઈ પોતાનું મોત બતાવી વીમાની રકમ પકવવા પ્લાન ગોઠવ્યો હતો. વીમો પાકી જાય તો તેનું દેવું પણ ભરપાઈ થઈ જશે એ ઈરાદાથી તેણે આ કારસો રચ્યો હતો. પરંતુ, પોલીસે તેના સમગ્ર પ્લાન પર પાણી ફેરવી દીધું હતું.